તેમ અહીં ત્રણ ભુવનમાં સાર એવા વીતરાગ–વિજ્ઞાનને મંગળરૂપે નમસ્કાર કર્યા છે.
અહો, વીતરાગ વિજ્ઞાન તે જ જગતમાં સાર છે–તે જ સારું છે, એ સિવાય શુભરાગ કે
પુણ્ય તે કાંઈ સારરૂપ નથી, તે ઉત્તમ નથી; રાગ–દ્વેષ રહિત એવું કેવળજ્ઞાન જ ઉત્તમ
અને સારરૂપ છે. ધર્માત્માને કેવળજ્ઞાન જોઈએ છે–એટલે તેને યાદ કરીને વંદન કરે છે ને
તેની ભાવના ભાવે છે.
શ્રીમદ્ રાજચંદ્રજી પણ છેલ્લા કાવ્યમાં સર્વજ્ઞપદને યાદ કરતાં કહે છે કે–
મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જિનસ્વરૂપ.
તે વીતરાગી વિજ્ઞાન છે. ‘વીતરાગ’ કહેતાં સમ્યક્ ચારિત્ર આવ્યું, ને ‘વિજ્ઞાન’ કહેતા
સમ્યગ્જ્ઞાન ને સમ્યગ્દર્શન આવ્યા; આ રીતે વીતરાગ–વિજ્ઞાનમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર સમાઈ જાય છે. આવું વીતરાગવિજ્ઞાન શિવસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે,
મંગલરૂપ છે; પૂર્ણજ્ઞાન ને પૂર્ણ આનંદસ્વરૂપ એવું કેવળજ્ઞાન તે મહાન સારભૂત છે. ને
સાધકને જે અંશે વીતરાગવિજ્ઞાન છે તે પણ આનંદરૂપ છે, તે પૂર્ણાનંદરૂપ મોક્ષનું કારણ
છે. જુઓ, શરૂઆતથી જ વીતરાગ વિજ્ઞાનને મોક્ષના કારણ તરીકે બતાવ્યું; પણ
શુભરાગ તે મોક્ષનું કારણ છે–એમ ન કહ્યું. આ રીતે મોક્ષના કારણરૂપ એવા વીતરાગી
વિજ્ઞાનને જ સારરૂપ સમજીને તેને હું નમસ્કાર કરું છું; ‘સાવધાનીથી’ એટલે કે તે
તરફના ઉદ્યમપૂર્વક નમસ્કાર કરું છું. રાગથી જુદો પડીને અને શુદ્ધસ્વભાવની સન્મુખ
થઈને, આવી નિશ્ચય સાવધાનીપણે એટલે નિર્મોહીપણે સર્વજ્ઞને નમસ્કાર કરું છું; ને
બહારમાં શુભરાગના નિમિત્તરૂપ મન–વચન–કાયાની સાવધાની છે.