: ૧૮ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
હું
અને તું
(સમયસાર કળશ ૨૩૦)
ધર્માત્માની શુદ્ધચેતના કેવી હોય? તેનું આ વર્ણન છે.
‘હું’–કેટલો? કે જેટલું ચૈતન્યસ્વરૂપ છે તેટલો ‘હું.’
એ સિવાય દ્રવ્યકર્મ–ભાવકર્મ–નોકર્મ તે બધા ‘તું’ માં જાય છે, તે ‘હું’ માં નથી આવતા,
એટલે કે ધર્મીના અનુભવથી તે બહાર છે, પરદ્રવ્ય છે.
‘હું’ તે પરદ્રવ્યની સહાય વિના પોતાની સહાયથી પોતામાં સર્વથા ઉપાદેયબુદ્ધિથી પ્રવર્તું છું.
‘હું’ કોણ? ને ‘તું’ કોણ? એની પણ અજ્ઞાનીને ખબર નથી. ‘હું’ માં ‘તું’ ને ભેળવી દ્યે છે,
સ્વમાં પરને ભેળવી દ્યે છે.
હું એટલે શુદ્ધચેતનારૂપ સ્વદ્રવ્ય; રાગાદિ પરભાવો તે હું નહિ, તે ‘તું’ એટલે કે પરદ્રવ્ય છે.
સ્વદ્રવ્યની સહાયથી જ હું મારા આત્માને અનુભવું છું; પરદ્રવ્યની સહાય વગર જ હું મારા
આત્માને અનુભવું છું.
મારા સ્વઘરમાં જ્ઞાન–દર્શન–આનંદ ભર્યા છે, મારા સ્વઘરમાં રાગ–વિકારરૂપી કચરો
નથી; આવા શુદ્ધસ્વઘરમાં રહેનાર હું છું–એમ ધર્મી અનુભવે છે.
રાગાદિ પરભાવોથી મલિન તે મારું સ્વઘર નથી, તેમાં વસનાર હું નથી, તે મારું ઉપાદેય
નથી.
હું–માં તું નથી, સ્વભાવમાં પરભાવ નથી.
શરીરાદિ પરદ્રવ્યો છે કે રાગાદિ પરભાવો છે તે કોઈ ‘હું’ થઈને રહ્યા નથી, મારા
સ્વઘરની વસ્તુ તે નથી, એ તો બધા મારાથી પર થઈને રહ્યાં છે.