: ૨૦ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
કોનું છે? જ્ઞાન તો હું જ છું; જ્ઞાનસ્વરૂપે જે અનુભવમાં આવે છે તે બીજું કોઈ નહિ પણ તે હું જ
છું. –આમ સર્વ પરભાવોથી ભિન્ન શુદ્ધ જ્ઞાનપણે ધર્મી પોતાને અનુભવે છે.
ધર્મીને આવો અનુભવ એકલા સ્વદ્રવ્યની સહાયથી જ થાય છે; તેમાં બીજા કોઈની જરાય
સહાય નથી, શુભ વિકલ્પનીય સહાય તેમાં નથી. સ્વતત્ત્વના શુદ્ધઅનુભવમાં રાગના
શુભવિકલ્પની પણ જે સહાય માને તે ‘હું’ માં ‘તું’ ને ભેળવી દે છે, પારકી વસ્તુને પોતામાં
ભેળવીને ચોરી કરે છે, સ્વતત્ત્વને ભૂલી જાય છે...ને તેથી સંસારમાં રખડે છે.
ધર્મીના સ્વતત્ત્વના અનુભવમાં શુદ્ધચેતનારૂપ સ્વદ્રવ્ય સિવાય બીજા બધાનો અભાવ છે;
પરનો એક અંશ પણ તેમાં નથી. આવો હું છું. ‘હું કોણ છું?’ –કે શુદ્ધ ચેતનારૂપે જે અનુભવમાં
આવી રહ્યો છે–તે હું છું.
આવો અનુભવ કરે ત્યારે ‘હું કોણ’ તે જાણ્યું કહેવાય; તેણે આત્માને જાણ્યો, તે
મોક્ષમાર્ગમાં આવ્યો, તેણે પરભાવોને છોડ્યા; ને પોતાના સ્વઘરમાં આવીને તે વસ્યો. હવે
સાદિઅનંતકાળ સ્વઘરમાં આનંદપૂર્વક તે રહેેશે.
‘ કર વિચાર તો પામ’
પ્રશ્ન :– આત્માના વિચારમાં તો વિકલ્પ થાય છે?
ઉત્તર :– ‘વિચારમાં તો વિકલ્પ થાય છે’ –એમ સમજીને કોઈ જીવ
વિચારધારા જ ન ઉપાડે, તો કહે છે કે હે ભાઈ! આત્મવિચારમાં કાંંઈ એકલા
વિકલ્પ જ નથી; વિચારમાં ભેગું જ્ઞાન પણ તત્ત્વનિર્ણયનું કામ કરે છે. એમાં
જ્ઞાનની મુખ્યતા કર ને વિકલ્પને ગૌણ કર. આમ સ્વરૂપનો અભ્યાસ કરતાં
કરતાં જ્ઞાનનું બળ વધતાં વિકલ્પ તૂટી જશે ને જ્ઞાન રહી જશે, એટલે કે
વિકલ્પથી છૂટી જ્ઞાન અંતરમાં વળીને સ્વાનુભવ કરશે.
–પણ જે જીવ તત્ત્વનું અન્વેષણ જ કરતો નથી, આત્માની વિચારધારા
જ ઉપાડતો નથી તેને તો નિર્વિકલ્પ સ્વાનુભવ થવાનો અવસર ક્યાંથી
આવશે? માટે જે જિજ્ઞાસુ થઈને સ્વાનુભવ કરવા માંગે છે, તે યથાર્થ તત્ત્વોનું
અન્વેષણ કરીને તત્ત્વનિર્ણય કરે છે ને સ્વભાવ તરફની વિચારધારા ઉપાડે છે,
તે જીવ પોતાનું કાર્ય અધૂરું મુકશે નહીં. તે પુરુષાર્થ વડે વિકલ્પ તોડીને
સ્વરૂપમાં ઉપયોગ જોડીને નિર્વિકલ્પ સ્વાનુભવ કરશે જ. સ્વભાવના લક્ષે ઉદ્યમ
ઉપાડ્યો તે વિકલ્પમાં અટકશે નહિ, વિકલ્પમાં સંતોષ પામશે નહિ; તે તો
સ્વાનુભવથી કૃતકૃત્યદશા પ્રગટ કર્યે જ રહેશે. માટે કહ્યું છે કે ‘કર વિચાર તો
પામ.’