: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૨૧ :
ધર્માત્માની જ્ઞાનચેતના
(જ્ઞાનસ્વભાવને ચેતે–અનુભવે તેનું નામ જ્ઞાનચેતના)
જ્ઞાનીના હૃદયનું રહસ્ય આ પ્રવચન–લેખમાં ભર્યું છે. જ્ઞાનીના
અંતરના આત્મભાવો સમજવા માટે, તેમની પરિણતિ ઓળખવા
માટે, ને પોતામાં તેવા ભાવો પ્રગટ કરવા માટે ‘ધર્માત્માની
જ્ઞાનચેતના’નું મનન આત્માર્થી જીવોને બહુ ઉપયોગી થશે. –સં.
(સમયસાર કળશ ૩૨૩–૩૨૪ વગેરેના પ્રવચનમાંથી)
‘જ્ઞાનચેતના’ તે ધર્માત્માનું ચિહ્ન છે. જ્ઞાનચેતના વડે ધર્મી જીવ
પોતાને નિરંતર શુદ્ધસ્વરૂપે અનુભવે છે. જ્ઞાનચેતના પોતાના
સ્વભાવને સ્પર્શનારી છે. અમુક શાસ્ત્ર આવડે તો જ્ઞાનચેતના
કહેવાય–એમ નથી; પણ પોતાના શુદ્ધ સ્વભાવને સ્પર્શે–અનુભવે એનું
નામ જ્ઞાનચેતના છે. જ્ઞાનચેતનાનું કામ અંદરમાં સમાય છે. અંતરના
સ્વભાવને સ્પર્શ્યા વિના શાસ્ત્રાદિનું ગમે તેટલું જાણપણું હોય તોપણ
તેને જ્ઞાનચેતના કહેતા નથી; કેમકે તે તો રાગને સ્પર્શે છે–રાગને
અનુભવે છે.
ધર્મીની શરૂઆત, મોક્ષમાર્ગની શરૂઆત કે સુખની શરૂઆત
‘જ્ઞાન ચેતના’ થી થાય છે. જ્ઞાનચેતના એટલે શુદ્ધ આત્માને
અનુભવનારી ચેતના; તેમાં રત્નત્રય સમાય છે. આ જ્ઞાનચેતનાનો
સંબંધ શાસ્ત્રના ભણતર સાથે નથી; જ્ઞાનચેતના તો અંતર્મુખ થઈને
આત્માના સાક્ષાત્કારનું કાર્ય કરે છે. જ્ઞાનચેતનાના બળે જ્ઞાની
અલ્પકાળમાં જ કેવળજ્ઞાનને બોલાવી લ્યે છે.