અં....જ....લિ
ચૈતન્યની પ્રાપ્તિ
‘ધર્માત્માની જ્ઞાનચેતના’ વાંચીને
આપ પ્રસન્ન થયા હશો.
હવે એવા જ્ઞાનચેતનાવંત ધર્માત્મા
પ્રત્યેની અંજલિરૂપ આ પાનું પણ વાંચો.
ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિનો જેને ખરો રંગ લાગ્યો તે બીજી બધી ચિન્તા છોડીને નિશ્ચિંતપણે
આત્મામાં ચિત્તને જોડે છે, ને આત્માના ધ્યાનથી કોઈ અપૂર્વ સુખ તેને અનુભવાય છે. આ બધું
પોતામાં ને પોતામાં જ સમાય છે. આમાં પરની કોઈ ઉપાધિ નથી. પરની કોઈ ચિન્તા નથી.
અહા, જેના અવલોકનમાં અત્યંત સુખ છે એવો હું છું–એમ તું પોતાના આત્માને દેખ. જ્યાં
પોતામાં જ સુખ છે ત્યાં પરની ચિન્તા શી? પરભાવોથી ભિન્ન થઈને જેના એક ક્ષણના
અવલોકનમાં આવું સુખ, એના પૂર્ણ સુખની શી વાત? એમ ધર્મીને આત્માનો કોઈ અચિન્ત્ય
પરમ મહિમા સ્કૂરે છે....પોતામાં જ આનંદના દરિયા ઉલ્લસતા તે દેખે છે. ધર્માત્માની આવી દશા
જાણીને તું પણ હે જીવ! નિશ્ચિંતપણે તારા આત્માને પરમ પ્રીતિથી ધ્યાવ...દિન–રાત તેની અત્યંત
તીવ્ર ધગશથી ચિત્તને તેમાં એકાગ્ર કરી કરીને તારા આત્મસુખને અનુભવમાં લે.
‘‘લોકમાં પ્રસિદ્ધિનું શું કામ છે’’
અનુભવી ધર્માત્મા પોતાનું પદ
પોતામાં જ દેખે છે, ને તેના અવલોકનથી
પોતાનું કાર્ય સાધી જ રહ્યા છે, ત્યાં લોકમાં
પ્રસિદ્ધિનું એને શું કામ છે? ધર્મી જાણે છે કે
અમારી પરિણતિ અંતરમાં અમારું કામ કરી
જ રહી છે, ત્યાં લોકમાં બીજા જાણે કે ન
જાણે તેનાથી શું પ્રયોજન છે?
વાહ રે વાહ, જ્ઞાનીની નિસ્પૃહતા!
સ્વાનુભૂતિનો મહિમા
સ્વાનુભૂતિ થતાં પરમ મહિમા આવે,
પણ તે તો પોતામાં ને પોતામાં સમાય છે;
મહિમા કરીને કાંઈ બીજાને બતાવવાનું નથી.
અને બીજા મહિમા કરે તો પોતાને સંતોષ
થાય એવું કાંઈ નથી; પોતાના અનુભવનો
સંતોષ પોતામાં જ છે.
અહો, ગંભીર ઊંડું તત્ત્વ છે!
બીજા એને શું ઓળખશે ? –બીજાને
એના જેવું થશે ત્યારે તેને ઓળખશે. ને
એની ઓળખાણ એ જ સાચી અંજલિ છે.
જ્ઞાનીની જ્ઞાનચેતના અંતરમાં ચૈતન્યસુખના અનુભવમાં
રમતી રમતી આનંદથી સિદ્ધપદને સાધે છે.
‘આત્માર્થી’ ને સંસારમાં ક્યાંયે ન ગમ્યું....પણ એક આત્મામાં ગમ્યું,
એટલે ઊંડે ઊંડે અંદર ઊતરીને આત્માને અનુભવમાં લીધો ને આનંદિત
થયા. તેઓ કહે છે કે : ‘‘હે જીવ! તને ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ.’’