Atmadharma magazine - Ank 298
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 45

background image
વા....ત્સ.....લ્ય
કુંદકુંદસ્વામી સમ્યગ્દ્રષ્ટિના નિશ્ચય–વાત્સલ્યનું વર્ણન કરતાં કહે છે કે–‘સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યક્પણે દેખતા હોવાથી સમ્યગ્દ્રષ્ટિ ‘માર્ગવત્સલ’ છે.
‘વાત્સલ્ય’ એટલે પોતાપણાની બુદ્ધિ, જેમાં પોતાપણાની બુદ્ધિ હોય તેમાં પરમપ્રીતિરૂપ
વાત્સલ્ય હોય જ. પુત્ર માને છે કે આ મારી માતા, માતા માને છે કે આ મારો પુત્ર, –તો બંનેને
અરસપરસ સહજ વત્સલતાનું ઝરણું વહે છે; તેમ ધર્મમાં ‘આ મારા સાધર્મી; જે મારો ધર્મ એ જ
એનો ધર્મ–અમે બંને એક જ ધર્મના ઉપાસક’ –આવી બુદ્ધિમાં સાધર્મીપ્રત્યે સહજ
વાત્સલ્યભાવની ઉર્મિ આવે છે.
સમ્યકત્વરૂપી સૂર્યના આઠ સુંદર કિરણોમાં જેનું સ્થાન છે. તીર્થંકરત્વની
સોળકારણભાવનામાં જેનું સ્થાન છે–એવું વાત્સલ્ય, તેનું સ્મરણ કરાવતું પર્વ એટલે શ્રાવણ સુદ
પૂર્ણિમા. અકંપનાદિ મુનિવરોની નિષ્કંપતા, આચાર્ય શ્રુતસાગર તથા વિષ્ણુકુમાર મુનિવરોની
વત્સલતા, હસ્તિનાપુરીના શ્રાવકોનો ધર્મપ્રેમ–એ બધું શ્રાવણ સુદ પૂર્ણિમાએ યાદ આવશે; ને
ચારેકોર હજારો હાથમાં વાત્સલ્યપ્રેમના બંધન દેખાશે..પરંતુ, માત્ર અકંપનસ્વામીને કે
વિષ્ણુસ્વામીને યાદ કરી લેવાથી, કે બહેનીના હસ્તે ભાઈના હાથમાં સુશોભિત રાખડી બાંધી
દેવાથી જ સંતુષ્ટ થવાનું નહિ પાલવે. આત્માના પ્રદેશે પ્રદેશે ધર્મપ્રેમ એકરસ થઈ જાય, ધાર્મિક
પ્રીતિનો દોર આત્મામાં એવો બંધાઈ જાય–કે જે માત્ર શ્રાવણી પૂનમે જ નહિ પણ જીવનની
પ્રત્યેક પળે સદૈવ આત્મા સાથે અભેદપણે બંધાયેલો જ રહે. પોતાના રત્નત્રયધર્મ પ્રત્યે જેને
આવો પ્રેમ છે તેને એવા રત્નત્રયસાધક ધર્માત્માઓ પ્રત્યે ને સાધર્મીઓ પ્રત્યે પણ પ્રેમ ઉલ્લસે
છે. વાત્સલ્ય એ કાંઈ સામા ઉપર ઉપકાર કરવા માટે નથી પણ વાત્સલ્યની ખુમારી પોતાની
ધર્મભાવનાને પુષ્ટ કરે છે, રત્નત્રયના પરમપ્રેમને પોષણ આપે છે ને રત્નત્રયધર્મ પ્રત્યે પરમ
ભક્તિ તથા ઉલ્લાસ જગાડે છે.
આવા વાત્સલ્યને આરાધીએ...એવું આરાધીએ કે તે પર્વ માત્ર શ્રાવણની પૂનમ પૂરતું
મર્યાદિત ન રહે પણ આત્મામાં પર્યાયે પર્યાયે ધર્મપ્રેમની પુષ્ટિ કરતું થકું આત્મામાં સદાય
વાત્સલ્યપર્વ રહ્યા કરે. શુદ્ધચેતનારૂપી નિર્દોષ બહેન, તેના દ્વારા ચૈતન્યબંધુની નિર્મોહભાવે રક્ષા
કરીને આવું વાત્સલ્યપર્વ ઉજવીએ. –
जय जिनेन्द्र