: ૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
સ્વાનુભવ–પ્રસિદ્ધ પરમાત્માને ઓળખીને તેને જે નમસ્કાર કરે છે તેને પોતામાં પણ
પોતાનો આત્મા સ્વાનુભવ–પ્રસિદ્ધ થાય છે.
બધાય આત્મા ઉત્કૃષ્ટ જ્ઞાન–આનંદસ્વરૂપ છે; તેને ઓળખીને સ્વાનુભવ કરતાં
તે પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે. અહો, જ્ઞાનઆનંદ જેને પૂર્ણ પ્રગટી ગયા છે એવા ઉત્કૃષ્ટ
સિદ્ધપરમાત્મા, તે સર્વે પરમાગમના સારરૂપ છે. જિનવાણીરૂપ પ્રવચન, તેનો સાર એ
છે કે સ્વાનુભવ વડે આત્મપ્રસિદ્ધિ કરીને સિદ્ધદશા પ્રગટ કરવી.
પંચપરમેષ્ઠી મંગલસ્વરૂપ છે. શાસ્ત્રકાર અને ટીકાકાર બંને આચાર્ય ભગવંતો
પોતે પણ પરમેષ્ઠીસ્વરૂપ છે. પણ હજી પૂર્ણદશારૂપ સર્વજ્ઞપદ નથી પ્રગટ્યું તેથી
પૂર્ણદશારૂપ પરમાત્માને નમસ્કાર કરે છે.
બીજા શ્લોકમાં આચાર્ય દેવે અનેકાન્તમય જ્ઞાનની સ્તુતિ કરી છે. અનેકાન્તમય
તેજ–પ્રકાશ મોહઅંધકારને નષ્ટ કરે છે, ને સ્વ–પર પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રકાશે છે.
આવું આનંદમય અનેકાન્ત જ્ઞાન–તેને નમસ્કાર હો. ભગવાને કહેલાં શાસ્ત્રો પણ
અનેકાન્તમય છે, તે પણ જયવંત છે. ને અનેકાન્તસ્વરૂપ આત્માને પ્રકાશનારા
ભાવશ્રુતજ્ઞાનરૂપ અનેકાન્તપ્રકાશ, તે પણ સાધકપણામાં સદા જયવંત વર્તે છે, એટલે તે
ભાવશ્રુત વચ્ચે ભંગ પડ્યા વગર કેવળજ્ઞાનને સાધશે. અનેકાન્તમય જ્ઞાનપ્રકાશ
જગતના સ્વરૂપને પ્રકાશે છે અને મોહ–અંધકારને નષ્ટ કરે છે. –તેને સદા જયવંત કહીને
સ્તુતિ કરી.
ત્યારપછી ત્રીજા શ્લોકમાં એમ કહ્યું કે હું આ પરમાગમની ટીકા કરું છું.–કોને
માટે કરું છું? કે પરમ આનંદરૂપી સુધારસના પિપાસુ ભવ્યજીવોના હિતને માટે આ
ટીકા કરું છું. જેને ચૈતન્યના આનંદની જ પિપાસા છે, જેને પુણ્યની કે સ્વર્ગાદિ વૈભવની
અભિલાષા નથી, જેને ચૈતન્યના અતીન્દ્રિય પરમાનંદની જ અભિલાષા છે, એવા મુમુક્ષુ
જીવોના હિતને માટે આ ટીકા રચાય છે. અહો જેના અંતરમાં પરમઆનંદને માટે તૃષા
છે એવા જીવોને માટે સંતોએ આ આનંદનું પરબ ખોલ્યું છે. આ ટીકાવડે આનંદરસનું
પરબ બાંધ્યું છે, –જેને આનંદરસનું પાન કરવું હોય તેને માટે આ પરબ છે. અહો જીવો!
આ શાસ્ત્રમાં કહેલા અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય સુખના ભાવો સમજતાં તમને
પરમઆનંદની પ્રાપ્તિ થશે...ને તે આનંદ વડે તમને તૃપ્તિ થશે. પરમ આનંદનો
અનુભવ પ્રગટે તે જ આ શાસ્ત્રનો હેતુ છે.
હે ભાઈ, તું ચૈતન્યના આનંદનો જ પિપાસુ થઈને સાંભળજે; રાગની
અભિલાષા કરીશ નહિ; ‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ.’–આમ આત્માના
આનંદનો પિપાસુ થઈને જે જીવ આ શાસ્ત્ર સાંભળશે તેને અવશ્ય પરમ આનંદની
પ્રાપ્તિ થશે.