Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 49

background image
: ૧૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
પહેલી ગાથાની ટીકામાં સૌથી પહેલાંં अथ શબ્દ છે તે મંગળને સૂચવે છે. સિદ્ધોને
નમસ્કારરૂપ અપૂર્વ મંગલાચરણપૂર્વક સમયસાર શરૂ કર્યું છે.
अथ શબ્દ મહાન માંગળિકની શરૂઆત સૂચવે છે.
अथ... હવે સાધકભાવરૂપ મોક્ષમાર્ગ શરૂ થાય છે.
अथ... હવે અનાદિના બંધમાર્ગનો નાશ શરૂ થાય છે.
अथ... હવે આત્મામાં સમ્યગ્દર્શનાદિ મંગળભાવ શરૂ થાય છે.
अथ... હવે અનંતકાળમાં નહિ થયેલ અપૂર્વભાવ શરૂ થાય છે.
अथ... હવે સિદ્ધોને સ્થાપીને સાધકભાવ શરૂ થાય છે.
अथ... એટલે સાધકભાવ શરૂ થયો તે પૂર્ણ થશે જ.
અહો, એક अथ શબ્દના વાચ્યમાં તો કેટલા મંગળ ભાવો ભર્યા છે! ‘अथ’
એટલે ‘હવે’ –તે અપૂર્વ શરૂઆત સૂચવે છે; અત્યારસુધી જે સંસારભાવ સેવ્યા તેનાથી
પાછા ફરીને હવે સિદ્ધદશા તરફના અપૂર્વ ભવનો પ્રવાહ શરૂ થાય છે. આવા અપૂર્વ
ભાવપૂર્વક સમયસાર સંભળાવીએ છીએ, તેને હે ભવ્ય શ્રોતા! તું પણ તારા આત્મામાં
સિદ્ધપણું સ્થાપીને અપૂર્વ ભાવે સાંભળજે.
અહો, અમારા આત્મામાં માંગળિકનો અપૂર્વ પ્રવાહ શરૂ થઈ ગયો છે.... કેવળી
ભગવંતોએ અને શ્રુતકેવળી ભગવંતોએ જે કહ્યું તે જ હું કહીશ; એટલે કે તે ભગવંતોએ
કહેલો શુદ્ધભાવ મારામાં પ્રગટ કરીને અત્યારે હું તે આ સમયસારમાં કહીશ. પૂર્વે ભલે
ભગવંતોએ કહ્યું–પણ અત્યારે તો હું કહેનાર છું ને! મારા ભાવમાં મેં જે ઝીલ્યું છે તે હું
કહીશ. ભગવંતો પાસેથી મને જે મળ્‌યું છે તે હું કહીશ... અપૂર્વ સાધકભાવનો પ્રવાહ
મારા આત્મામાં પ્રગટ્યો છે–તે સ્વાનુભવપૂર્વક હું કહીશ. જે નિજવૈભવ મારા આત્મામાં
પ્રગટ્યો છે તે સમસ્ત વૈભવથી હું શુદ્ધાત્મા દેખાડું છું.
–તેમાં મંગળરૂપે પ્રથમ શુદ્ધાત્મદશાને પામેલા એવા સર્વે સિદ્ધ ભગવંતોને મારા
જ્ઞાનમાં લઈને વંદું છું. રાગમાં સિદ્ધની સ્થાપના ન થઈ શકે, અંદરના જ્ઞાનભાવમાં જ
સિદ્ધની સ્થાપના થાય છે; જ્ઞાનમાં સિદ્ધ જેવું શુદ્ધસ્વરૂપ ચિંતવતાં નિર્વિકલ્પ દશા થઈ
જાય છે... તેનું નામ સિદ્ધોને ભાવનમસ્કાર છે. સ્તુતિના વચનવિકલ્પો તે દ્રવ્યનમસ્કાર
છે. આવા અપૂર્વ નમસ્કારપૂર્વક સમયસારનો પ્રારંભ થાય છે.