અહો, આ આત્માના અનુભવનો માર્ગ છે...વીતરાગનો આ માર્ગ...તે આત્માનો
અંતરનો માર્ગ છે, અંતરના સ્વભાવને શુદ્ધનય વડે પ્રતીતમાં લઈને ધ્રુવ
ચિદાનંદસ્વભાવમાં પર્યાયની એકતા થઈ તે જીવ સદાકાળ પોતાના આનંદમાં
બિરાજમાન રહેશે. આવો વીરનો માર્ગ છે. વીર પરમાત્માએ આવો માર્ગ પ્રકાશ્યો હતો.
આવા શુદ્ધ આત્માની અનુભૂતિ તે અબાધિત નિર્દોષ માર્ગ છે.
બપોરે પ્રવચનસાર ગા. (પર) ના પ્રવચનમાં આત્માના કેવળજ્ઞાનસ્વભાવનો
મહિમા સમજાવતાં ગુરુદેવે કહ્યું કે–કેવળીભગવાન અબંધ છે કેમકે સમસ્ત પદાર્થોને એક
સાથે જાણવા છતાં તેઓ જ્ઞેયસન્મુખ થઈને પરિણમતા નથી. તેમ નીચલી દશામાં
ધર્મીસાધક પણ પોતાના ચિદાનંદસ્વભાવની કિંમત જાણે છે ને સ્વસન્મુખ પરિણમે છે
એટલે તે પણ સુખના પંથે છે, અંશે અતીન્દ્રિયસુખ તેણે અનુભવ્યું છે. તે જ્ઞાની
જ્ઞાનસ્વભાવને જ પોતાના કાર્યરૂપે કરે છે. અજ્ઞાની રાગ–દ્વેષાદિ ભાવોને જ પોતાના
કાર્યરૂપે દેખે છે, તેથી તે દુઃખી છે. રાગથી ભિન્ન આત્માના સુખની તેને ખબર નથી.
ભગવાન! તારો આત્મા જ્ઞાનથી ને સુખથી ભરેલો છે. આત્મા પોતાના સ્વરૂપને
ભૂલીને પણ પરરૂપે–જડરૂપે તો થઈ જતો નથી, બહુ તો અજ્ઞાનથી રાગાદિરૂપે થાય છે,–
તે અજ્ઞાનીનું કાર્ય છે; જ્ઞાનીને રાગાદિ હોવા છતાં ચિદાનંદ સ્વરૂપનું ભાન છે, એટલે તે
જ્ઞાનાદિ કાર્યને જ કરે છે; અને કેવળી પરમાત્મા તો એકલા પરિપૂર્ણ જ્ઞાન ને સુખરૂપે જ
પરિણમે છે. કેવળજ્ઞાનરૂપી અપૂર્વ વર્ષ બેઠું–તે સાદિઅનંત સુખરૂપ રહેશે. આવા નિજ
સ્વરૂપને ઓળખવું તે બેસતાવર્ષની બોણી છે. આ સમજે તો આત્મામાં આનંદમય નવું
વર્ષ બેસે; નહિંતર તો અનાદિનું અજ્ઞાન એવું ને એવું જ છે.
આત્મા જ્ઞાનસ્વભાવી છે તેમ સુખસ્વભાવી પણ છે, એટલે જ્ઞાનની સાથે સુખ
હોય જ છે; અતીન્દ્રિયજ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદ હોય જ. અજ્ઞાન– મિથ્યાજ્ઞાનની
સાથે દુઃખ છે, ને સમ્યગ્જ્ઞાનની સાથે સુખ છે. કેવળજ્ઞાન સાથે પૂરું સુખ છે. ભાઈ, સુખ
બાહ્યવિષયોમાં નથી, સુખ તો તારા જ્ઞાનમાં જ છે. કેવળજ્ઞાનરૂપ સ્વયંભૂ–સુપ્રભાત
ભગવાનને ખીલ્યું તે પૂર્ણ આનંદરૂપ છે, ને એવા જ્ઞાનની પ્રતીત કરવી તે પણ અપૂર્વ
આનંદરૂપ સુપ્રભાત છે...તે અપૂર્વ બેસતું વર્ષ છે, તે જ સન્તોની બેસતાવર્ષની બોણી છે.
સારામાં સારી ઉત્તમ બોણી આ જ છે. જય હો સોનેરી ચૈતન્યસુપ્રભાતસ્વરૂપ સન્તોનો!
બેસતાવર્ષની રાત્રિચર્ચામાં ગુરુદેવે નિર્વિકલ્પ આત્મા અનુભવના પ્રયત્ન માટેની
ઉત્તમ પ્રેરણા આપી હતી. ને શીઘ્ર તે પ્રયત્ન કરીને સફળતા પ્રાપ્ત કરવાનો અનુગ્રહપૂર્ણ
ઉપદેશ આપ્યો હતો.