જ્ઞાનસૂર્યનું સોનેરી સુપ્રભાત
(કારતક સુદ એકમના મંગલપ્રવચનમાંથી)
[આત્મામાં નવા વર્ષનો પ્રારંભ...અને સંતોની ઊંચામાં ઊંચી બોણી]
ચૈતન્યપ્રકાશી સોનેરી સુપ્રભાતના મંગળરૂપે સવારમાં જિનેન્દ્રભગવાનના દર્શન
બાદ માંગલિક સંભળાવીને ગુરુદેવે કહ્યું કે: અરિહંત–સિદ્ધ–સાધુ–ધર્મ એ ચાર શરણ છે,
તેમાં શુદ્ધ આત્મા જ શરણરૂપ છે. ચૈતન્યચંદ્ર–જ્ઞાનસૂર્ય એવા આત્માનો ઉદય
(અનુભવ) તે સોનેરી સુપ્રભાત છે. આવો આત્મા પોતાની જ્ઞાનસૃષ્ટિનો રચનાર છે.
આત્મા પોતે અકૃત્રિમ, છેદાય નહિ ભેદાય નહિ એવો છે, કોઈ તેનો રચનાર નથી, પણ
તે પોતે પોતાની જ્ઞાનસૃષ્ટિનો (જ્ઞાન પર્યાયનો) રચનાર છે, ને જ્ઞાનની રચના કરતાં
કરતાં કેવળજ્ઞાનરૂપી સૃષ્ટિને રચે તે મહાન સુપ્રભાત છે.
આમ આનંદમંગળ પછી ખીચોખીચ ભરેલા જિનમંદિરમાં સીમંધરનાથ વગેરે
ભગવંતોનું મહા પૂજન થયું. પછી સમયસારની તેરમી ગાથા ઉપરના પ્રવચનમાં
સમ્યક્ત્વરૂપી સુપ્રભાત ઉગાડવાની પ્રેરણા કરતાં ગુરુદેવે કહ્યું કે આત્માનો
ભૂતાર્થસ્વભાવ નવતત્ત્વોના વિકલ્પોથી પાર છે. એવા આત્માના અનુભવવડે આત્મામાં
સાચું સુપ્રભાત ઊગે છે. ભાઈ! અનંતકાળથી તું અજ્ઞાનમાં રહ્યો છો, તારા આત્મામાં
સાચું જ્ઞાનપ્રભાત તેં કદી ઉગાડયું નથી. તે પ્રભાત કેમ ઊગે તેની આ વાત છે.
અહીં સુપ્રભાતમાં આત્મા પ્રકાશમાન થવાની વાત આવી છે. ભગવાન આત્મા
કઈ રીતે પ્રકાશમાન થાય?–કે નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક શુદ્ધજીવ જ પ્રકાશમાન
છે. પર્યાયને અંતર્મુખક રીતે જોતાં એકરૂપ સ્વભાવપણે શુદ્ધજીવ પ્રકાશે છે એટલે કે તે
પ્રગટ અનુભવમાં આવે છે. પહેલાં આવો સ્વભાવ લક્ષમાં ને સમજણમાં તો લ્યો! સાચા
આત્માની સમજણ વગર તેના અનુભવનો પ્રયોગ ક્્યાંથી થશે?
જુઓ, આ સર્વજ્ઞની વાણીમાં જે આવ્યું તે જ સંતોએ પ્રસિદ્ધ કર્યું છે. છોકરો
ખોવાઈ જાય તો શોધે છે, પણ તેં તને પોતાને કદી ગોત્યો? અનાદિનો પર્યાયના
વિકારમાં ખોવાઈ ગયો છો, પર્યાયની પાછળ આખો ચિદાનંદ સ્વભાવ છે તેને
અંર્તદ્રષ્ટિથી શોધ! એની અંર્તદ્રષ્ટિ તે જ અપૂર્વ બેસતું વર્ષ ને સુપ્રભાત છે. આવું
પ્રભાત જેને ઊગ્યું તે પરમાત્મા થશે.