: ૧૨ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
અતીન્દ્રિય સુખરૂપ થાય છે, ત્યારે તેમાં પણ પરદ્રવ્યો જરાય સાધન નથી. બીજા કોઈ પણ
કારણ વિના સ્વયમેવ આત્મા પોતે સુખકારણરૂપ પરિણમતો થકો અતીન્દ્રિયસુખરૂપ થાય
છે. અહા, તારા મોક્ષસુખની કેવી મજાની વાત છે! સિદ્ધ જેવા સુખરૂપે થવાની તારી
પોતાની તાકાત છે, તેમાં બીજા કોઈ સાધનની જરૂર નથી. જ્યાં શરીર પણ સાધન નથી
ત્યાં બીજા સાધનની શી વાત! નીચલી દશામાં શરીર છે પણ તે શરીર કાંઈ સાધન થઈને
પરમાં સુખની કલ્પના નથી કરાવતું; અજ્ઞાની પોતે પોતાના અજ્ઞાનથી તેવી કલ્પના કરે છે.
આ રીતે અજ્ઞાનમાં કે જ્ઞાનમાં, ઈન્દ્રિયસુખની કલ્પનામાં કે અતીન્દ્રિયસુખના વેદનમાં
ક્યાંય શરીર કે ઈન્દ્રિયો સાધન નથી, જીવ જ તે–રૂપે પરિણમે છે.
જીવ પોતે સુખસ્વભાવી છે. જેમ જ્ઞાન જીવનો સ્વભાવ છે તેમ સુખ પણ જીવનો
સ્વભાવ છે. તે સ્વભાવની સમીચીનદશામાં અતીન્દ્રિયસુખ છે, ને તેને ભૂલીને વિપરીત
દશા થતાં પરમાં સુખની મિથ્યાકલ્પના કરે છે.–પણ તેમાં પરદ્રવ્ય તો જીવને કાંઈ કરતું
નથી. પરને કારણે શુભરાગ નથી, ને શુભરાગને કારણે સાચું સુખ નથી. જ્ઞાનને
ઈન્દ્રિયોથી પાર કરીને, સ્વભાવસન્મુખ થતાં અતીન્દ્રિયસુખનું વેદન થાય છે; તેથી આવું
અતીન્દ્રિયજ્ઞાન જ અતીન્દ્રિયસુખનું સાધન છે. સુખ કહો કે ધર્મ કહો, તેમાં શરીર,
ઈન્દ્રિયો કે રાગ તે જરાય સાધન નથી. તે બધાયના અભાવમાં આત્મા પોતે એકલો જ
પરમ સુખરૂપે પરિણમે છે; સ્વયમેવ સુખરૂપે પરિણમવાની શક્તિ જીવની છે.
અહો, મોક્ષસુખની આવી મજાની વાત, તે પ્રસિદ્ધ કરીને આચાર્યદેવ કહે છે કે
આવા દિવ્ય આત્મસ્વરૂપને જાણો.....ને બાહ્યવિષયોથી બસ થાઓ. સિદ્ધભગવાન જેવા
અચિંત્ય પોતાના જ્ઞાન–આનંદસ્વરૂપને જાણીને, સુખાર્થી જીવો વિષયાલંબીભાવ છોડીને
આત્માના જ અવલંબને પરમ આનંદરૂપે પરિણમો.
* હે જીવ! ઉત્તમ સત્કાર્યો તું કર!
અને, જે સત્કાર્ય તારાથી ન બની શકતું હોય
તે સત્કાર્ય કરનારા બીજા સાધર્મીની પ્રશંસા
અનુમોદના કરજે.....ઈર્ષા નહીં.