Atmadharma magazine - Ank 302
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 53

background image
: ૩૬ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
શુદ્ધદ્રષ્ટિ (સમ્યગ્દર્શન) થાય છે. આવો શુદ્ધઉપદેશ અર્હન્તદેવના શાસન સિવાય
બીજામાં હોય નહિ. ભગવાને અનંતાનંત પદાર્થો જાણીને કહ્યાં છે, તેને જે ન માને ને
સર્વથા અદ્વૈત એક માને તો તેના મતમાં સાચો ઉપદેશ હોઈ શકે નહિ. પોતપોતાના
દ્રવ્ય–ગુણ–પર્યાયથી ગંભીર અનંતપદાર્થો ભગવાને બતાવ્યા છે. જગતમાં અનંતપદાર્થો,
દરેક પદાર્થમાં અનંતગુણો અનંતીપર્યાયો–આવા અર્થગંભીર જિનોપદેશને જે ન સ્વીકારે
તેને સાચી શ્રદ્ધા કે સાચું જ્ઞાન થાય નહિ. ભગવાનના ઉપદેશની સાથે અજ્ઞાનીઓના
ઉપદેશનો મેળ મળે નહિ. અજ્ઞાનીમાં ક્યાંક ને ક્યાંક વિપરીતતા હોય છે. ભગવાન
જિનેન્દ્રદેવ અને તેમની પરંપરામાં થયેલા કુંદકુંદાચાર્ય, સમંતભદ્રાચાર્ય વગેરે જૈનસન્તો
સિવાય બીજાના માર્ગમાં શુદ્ધવસ્તુનો ઉપદેશ નથી. જેના મતમાં અનંતા દ્રવ્ય–ગુણ–
પર્યાયોનો સ્વીકાર નથી તેનો ઉપદેશ મિથ્યા છે. અહા, અનંતા દ્રવ્ય–ગુણ–પર્યાયને
જાણનારા સર્વજ્ઞભગવાનનો ઉપદેશ પામીને ઘણા જીવો ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે.
જિનેન્દ્રભગવાનનો ઉપદેશ નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવે છે. ભગવાને જેવો કહ્યો
તેવા શુદ્ધસ્વભાવને દ્રષ્ટિમાં લેતાં જરૂર સમ્યગ્દર્શન થશે, ને પછી ક્ષાયિક દ્રષ્ટિ થઈને
કેવળજ્ઞાન થશે. આવો શુદ્ધઉપદેશ મહાન ભાગ્યે જીવને સાંભળવા મળે છે.
સાચા દેવ કેવો ઉપદેશ આપે? તો કહે છે કે તેઓ જ્ઞાનસ્વભાવનો જ ઉપદેશ
આપે છે. જો કે ભગવાનના ગંભીર ઉપદેશમાં અનંતાનંત પદાર્થોનું સ્વરૂપ બતાવ્યું છે,
પણ તેમાં ઉપાદેયભૂત તો જ્ઞાનસ્વભાવ જ કહ્યો છે. સમ્યગ્દર્શન થતાં જ્ઞાન
નિજસ્વભાવમાં આવ્યું; તે જ્ઞાન જ્ઞાનસ્વભાવના આશ્રયે સ્વયમેવ વૃદ્ધિગત થતું થતું
કેવળજ્ઞાન થાય છે. માછલીનાં ઈંડાનું દ્રષ્ટાંત આપીને કહે છે કે જેમ રેતીમાં દાટેલું
માછલીનું ઇંડું સ્વયંવધે છે, તેમ સ્વભાવ તરફ ઝુકેલું જ્ઞાન સ્વયં વધતું વધતું કેવળજ્ઞાન
થાય છે. આવું જ્ઞાન આનંદકારી છે, મુક્તિનું સહકારી છે; ને તેનો ઉપદેશ ભગવાને દીધો
છે. સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનના વેદન વડે જ્ઞાન સ્વયં વધતું જાય છે. પરમ આનંદથી ભરેલો
સર્વજ્ઞસ્વભાવ અંદર છે તેનો ઉપદેશ ભગવાન દે છે. તે સ્વભાવના લક્ષે એકાગ્ર થતાં
થતાં કેવળજ્ઞાન થાય છે. જ્ઞાનની વૃદ્ધિ ઈન્દ્રિયોથી કે રાગથી થતી નથી પણ સ્વભાવના
સમ્યગ્જ્ઞાન વડે જ જ્ઞાનની શુદ્ધિ ને વૃદ્ધિ થાય છે; જ્ઞાનસ્વભાવના આશ્રયે જ્ઞાન
સ્વયમેવ વધે છે ને કેવળજ્ઞાન થાય છે. આનું નામ મોક્ષનો માર્ગ ને આ વીતરાગ
ભગવાનનો ઉપદેશ!
(વિશેષ હવે પછી)