Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 49

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૨પ :
* ભાવનગરમાં દિ. જિનમંદિરનું શિલાન્યાસ: ભાવનગરના દિ. જૈન
મુમુક્ષુમંડળ દ્વારા માગસર સુદ છઠ્ઠના રોજ માણેકવાડીના નવા પ્લોટમાં દિ. જિનમંદિરના
શિલાન્યાસનો ઉત્સવ ઉજવાયો. આ પ્રસંગે સોનગઢથી પૂ. ગુરુદેવ સંઘસહિત પધાર્યા
હતા. તેથી ભાવનગરમાં ઘણો ઉલ્લાસ હતો. વહેલી સવારમાં ખાતમુહૂર્ત (પાયો
ખોદવાની વિધિ) કુચામનવાળા ભાઈશ્રી હીરાલાલજી કાલાના સુહસ્તે થઈ હતી તથા
બપોરે શિલાન્યાસવિધિ પોરબંદરના શેઠશ્રી નેમિદાસ ખુશાલભાઈના સુહસ્તે થઈ હતી.
સવારે ગુરુદેવના મંગલપ્રવચનમાં હજારો જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો, અને પ્રવચન
પછી જિનેન્દ્રભગવાનની ભવ્ય રથયાત્રા શહેરમાં ફરી હતી,–રથયાત્રાની શોભા અને
ઉલ્લાસ દેખીને સૌને હર્ષ થતો હતો. શ્વે૦ જૈનસંઘનો પણ સારો સહકાર હતો. આવું
સહકારનું વાતાવરણ ભારતભરમાં પ્રસરે તે ઈચ્છનીય છે. આ મંગલકાર્ય માટે
ભાવનગરને ધન્યવાદ!
* મુંબઈના બાલસભ્યોનો મેળાવડો તા. ૨૪–૧૧–૬૮ ના રોજ થયો, તેમાં
સો જેટલા સભ્યોએ ભાગ લીધો. પરસ્પર પ્રેમ, ઉત્સાહ ને સંપના આનંદભર્યા
વાતાવરણમાં સૌએ ધાર્મિક ભાવનાઓ વ્યક્ત કરી. ધાર્મિક કાર્યક્રમો માટે
બાળકોના ને યુવાનોના અંતરમાં જોશદાર થનગણાટ તો ભર્યો જ છે, માત્ર
માર્ગદર્શનની જ તે રાહ જુએ છે.
(બાલબંધુઓને એક સૂચના: કાર્યની સરળતા ખાતર આપણે દરેક ગામે
પ્રતિનિધિ નીમેલ છે, પરંતુ તેમાં કોઈને નાના–મોટા રાખેલ નથી, કે અધ્યક્ષ–મંત્રી
વગેરે હોદા પણ રાખેલ નથી; બધા સભ્યો એકબીજાના ભાઈઓ જ છીએ, ને
‘જિનવરના સન્તાન’ તરીકે સૌ સરખા જ છીએ;–એ શૈલીથી સૌએ ઉત્સાહથી
સાથ આપવાનો છે.)
* શ્રી મુંબઈ મુમુક્ષુમંડળ તરફથી, મુંબઈમાં આવી રહેલા મંગલ ઉત્સવો
સંબંધી વિચારણા માટે ગામેગામના સાધર્મીભાઈઓની એક મિટિંગ તા. ૨૨–૧૨–
૬૮ ના રોજ સોનગઢમાં થઈ હતી, તેમાં પંચકલ્યાણક મહોત્સવ તથા ૮૦ મા જન્મ
જયંતી મહોત્સવની ઉજવણી માટે અનેકવિધ ઉલ્લાસભર્યા આયોજનો રજુ થયા
હતા.
* જિજ્ઞાસુઓ ધાર્મિક પ્રવૃત્તિના વિગતવાર સમાચાર અવશ્ય મોકલતા રહે;
પરદેશમાં ચાલતી ધાર્મિકપ્રવૃત્તિના સમાચારો પણ આત્મધર્મ માટે ઉપયોગી છે.–
આત્મધર્મની શૈલીને અનુરૂપ હશે તે સમાચારો છાપીશું. સમાચારો તેમજ વિશેષ સૂચનો
મોકલવાનું સરનામું– સંપાદક: આત્મધર્મ, સોનગઢ (સૌરાષ્ટ્ર)