Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 49

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૩પ :
ભવથી જે પ્રત્યક્ષ થયો તે જ હું છું. મારા સ્વસંવેદનમાં બીજું બધું બહાર રહી જાય છે તે
હું નથી, સ્વસંવેદનમાં ચૈતન્યમાત્ર આત્મા પ્રત્યક્ષ થયો તે જ હું છું.
‘હું એક છું’–ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ
પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. જ્ઞાનની જ
અખંડમૂર્તિ હું એક છું. પર્યાયમાં મનુષ્ય–દેવ વગેરે ભાવો ક્રમરૂપ હો, જોગ–લેશ્યા–
મતિશ્રુત વગેરે જ્ઞાનો અક્રમે એક સાથે હો, પણ તે ભેદરૂપ વ્યવહારભાવો વડે હું
ભેદાઈ જતો નથી, હું તો ચિન્માત્ર એકાકાર જ રહું છું–મારા અનુભવમાં તો જ્ઞાયક
એકાકાર સ્વભાવ જ આવે છે–માટે હું એક છું. મારા આત્માને હું એકપણે જ
અનુભવું છું...ખંડખંડ ભેદરૂપ નથી અનુભવતો. પર્યાયને ચૈતન્યમાં લીન કરીને
ચૈતન્યમાત્ર જ આત્માને અનુભવું છું. આત્માને રાગાદિવાળો નથી અનુભવતો,
ચૈતન્યમાત્ર એકાકાર જ્ઞાયકભાવરૂપ જ આત્માને અનુભવું છું......મારા આત્માને
જ્ઞાયકસ્વરૂપે જ દેખું છું.
‘હું શુદ્ધ છું’–નરનારકાદિ જીવના વિશેષો, તેમજ અજીવ, પુણ્ય, પાપ,
આસ્રવ, સંવર, નિર્જરા ને મોક્ષસ્વરૂપ જે વ્યવહાર નવતત્ત્વો છે તેમનાથી અત્યંત
જુદો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ છું, તેથી હું શુદ્ધ છું. નવે તત્ત્વોના
વિકલ્પોથી હું પાર છું...પર્યાયમાં હું શુદ્ધ જ્ઞાનસ્વભાવસ્વરૂપે પરિણમ્યો છું, માટે હું
શુદ્ધ છું. શુદ્ધ જ્ઞાયકભાવમાત્ર મારા આત્માને હું શુદ્ધપણે અનુભવું છું. નવ તત્ત્વના
ભેદ તરફ હું નથી વળતો–તેના વિકલ્પોને નથી અનુભવતો, પણ જ્ઞાયકસ્વભાવ
તરફ વળીને, નવતત્ત્વના વિકલ્પો રહિત થઈને, હું મારા આત્માને શુદ્ધપણે અનુભવું
છું. નવે તત્ત્વોના રાગમિશ્રિત વિકલ્પથી હું અત્યંત જુદો થઈ ગયો છું, નિર્વિકલ્પ
થઈને અંતરમાં આનંદસ્વરૂપ આત્માને એકને જ હું અનુભવું છું માટે હું શુદ્ધ છું.
મારા વેદનમાં શુદ્ધઆત્મા જ છે.
હું દર્શન–જ્ઞાનમય છું–હું ચિન્માત્ર હોવાથી સામાન્ય–વિશેષ
ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી તેથી દર્શન–જ્ઞાનમય છું. હું મારા આત્માને દર્શન–
જ્ઞાન–ઉપયોગરૂપ જ અનુભવું છું.
હું સદાય અરૂપી છું–સ્પર્શ–રસ–ગંધ–વર્ણ જેનું નિમિત્ત છે એવા જ્ઞાનરૂપે
પરિણમ્યો હોવા છતાં પણ તે સ્પર્શાદિ રૂપી–પદાર્થોરૂપે હું પરિણમ્યો નથી માટે હું સદા
અરૂપી છું. રૂપી પદાર્થોને જાણતાં છતાં હું રૂપી સાથે તન્મય થતો નથી, હું તો જ્ઞાન સાથે
જ તન્મય છું માટે હું અરૂપી છું. રૂપી પદાર્થો મારાપણે મને નથી અનુભવાતા, માટે હું
અરૂપી છું.