Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 49

background image
: ૪૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
યાદ આવે છે પાંડવભગવંતોની ધીરતા
હમણાં માગસર વદ ૧૪ ના રોજ પાલીતાણા શત્રુંજય–તળેટીમાં બંધાતા શ્વે.
જિનાલયના બાંધકામમાં અકસ્માત થતાં સેંકડો માણસો ઘવાયા, કેટલાક માણસો,
બાળકો–યુવાનો–વૃદ્ધો મરણ પામ્યા; સૌરાષ્ટ્રમાં ને દેશભરમાં હજારો–લાખો લોકોમાં
કરુણ–હાહાકાર છવાયો...લોકોએ પોતાથી બનતી સેવાઓ કરી, આશ્વાસન આપ્યાં.
આર્ય માણસોને કરુણા આવે ને વૈરાગ્ય જાગે એવી કરુણ ઘટના બની ગઈ.
આના કરતાંય ઘણાય ગંભીર બનાવો ક્યાંક ધરતીકંપથી, તો ક્યાંક પૂર
હોનારતથી તાજેતરમાં જ બન્યા હતા, ને દુનિયામાં સદાય એવા પ્રસંગો બન્યા કરે
છે; કેમકે સંયોગો તો ક્ષણભંગુર જ છે. અને એવા ક્ષણભંગુરતાના પ્રસંગો બનતાં
લોકોમાં તત્કાળપૂરતી લાગણીનાં પૂર ઉભરાય છે, ને થોડાદિવસમાં પાછા શમી જાય
છે. પાલીતાણા–હોનારતમાં ઊભરાયેલા કરુણ–લાગણીનાં પૂર પણ અત્યારે શમી
ગયા. ક્ષણિક કરુણા કે આઘાતની લાગણીથી આગળ વધીને વિચારણા ભાગ્યે જ
કોઈ કરતું હશે! જ્ઞાનીઓએ આખી વસ્તુસ્થિતિ કોઈ જુદી જ બતાવી છે.
ભાઈ, દુઃખ મરણનું નથી, દુઃખ મોહનું છે. આ તે જ શત્રુંજય–પર્વત છે કે
જેના ‘શિખર’ પર આજથી ૮૪૦૦૦ વર્ષ પહેલાં પાંડવમુનિરાજો, દેહ તો અગ્નિમાં
સળગતો હોવા છતાં તે જ વખતે ચૈતન્યની શાંતિમાં લીનતાપૂર્વક દેહ છોડીને
મોક્ષમાં સીધાવ્યા...મોહશત્રુને જીતીને સિદ્ધપદ સાધી લીધું. અને આજે પણ એ જ
શત્રુંજય પર્વત છે કે જેની ‘તળેટીમાં’ અનેક મનુષ્યોએ મોહથી દુઃખમાં રીબાઈ–
રીબાઈને પ્રાણ છોડ્યા. શત્રુંજય ઉપર પ્રાણ તો બંનેના છૂટ્યા, પણ પહેલાંએ
(પાંડવ ભગવંતોએ) તો દેહથી ભિન્ન ચૈતન્યની એવી આરાધનાપૂર્વક દેહ છોડ્યો
કે ભવથી તરીને આ શત્રુંજયને પણ તીર્થ બનાવ્યું, અને આજે હજારો વર્ષે પણ
તેમની એ આરાધનાને યાદ કરીને આપણે આ પર્વતને તીર્થ તરીકે પૂજીએ છીએ.
જ્યારે બીજા જીવો એવું ન કરી શક્યા ને મોહથી–દુઃખથી પ્રાણ છોડ્યા, તો તે
ઘટનાને ગોઝારીઘટના ગણીએ છીએ. આ રીતે જીવોના અંતરના પરિણામ અનુસાર
જગતની એક જ પ્રકારની ઘટનાઓમાં પણ કેવું મહાન અંતર પડી જાય છે! તેનો
વિચારી કરીએ તો એ મોહશત્રુને જીતનારા વીતરાગી પાંડવમુનિભગવંતોના
જીવનનો આદર્શ આપણને પણ તેવી આરાધના પ્રત્યે ઊર્મિ જગાડે છે. બાકી તો
એકલી કરુણાની ઊર્મિઓ લોકોમાં સૌને આવે જ છે. ‘શત્રુંજય’ તો આપણને
સ્થિરતા–એકાગ્રતા ને વીરતાનો કોઈ લોકોત્તર સન્દેશ આપે છે.