: ૪૩ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
શત્રુંજય–સન્દેશ
યુદ્ધની વચ્ચે પણ જે સ્થિર રહે તે યુધિસ્થિર.
અનેકવિધ સંયોગ–વિયોગ, તથા પરભાવો તે રૂપ જે યુદ્ધ, તેની વચ્ચે
પણ પોતાના જ્ઞાનને જે સ્થિર રાખે છે, પરભાવોથી જરાપણ ચલિત
થતો નથી, એવો યુધિસ્થિર સ્થિરઉપયોગવડે શત્રુઓનો જય કરીને
સિદ્ધપદ પામે છે. આવા “યુદ્ધિ–સ્થિર” બનવાનો સન્દેશ આ સિદ્ધક્ષેત્ર
આપે છે.
ભીમ એટલે પરાક્રમી!–જે કોઈથી ડરે નહિ, જેને કોઈ જીતી શકે નહિ, રાક્ષસોનો
જે નાશ કરે...તેમ પ્રતિકૂળતાના ગંજ વચ્ચે પણ નીડરપણે પોતાના
આત્મવીર્યરૂપ પરાક્રમ વડે જે મોહાદિ–ક્રોધાદિ રાક્ષસોને જીતી લ્યે છે, તે
ભીમ મોક્ષ પામે છે ને આ તેમની મોક્ષભૂમિ એવો સન્દેશ આપે છે કે હે
જીવ! તું પણ ભીમની જેમ નીડર અને પરાક્રમી થઈને ગમે તે
પરિસ્થિતિમાં આત્માને સાધજે.
અર્જુન...તે એવો બાણાવળી કે જેનું લક્ષ કદી ખાલી ન જાય, પોતાના લક્ષ્ય પ્રત્યે
જ લક્ષને એકત્વ કરીને તેને સાધે...આ રીતે અંદર ચૈતન્યને જ લક્ષ્ય
બનાવીને, બીજે બધેથી લક્ષ હઠાવીને તે લક્ષ્યમાં જ લક્ષને એકાગ્ર કર્યું,
ને સિદ્ધપદ સાધ્યું...તે લક્ષ્યવેધી અર્જુનભગવાનનો એવો સન્દેશ આ
સિદ્ધક્ષેત્ર સંભળાવે છે કે તારા ઈષ્ટની સિદ્ધિને માટે જગતને ભૂલીને–
સંયોગથી લક્ષ હઠાવીને, ચૈતન્યસ્વભાવરૂપ એક લક્ષ્યમાં જ લક્ષને
એકાગ્ર કરીને ધ્યાનરૂપી તીર ચલાવતાં તને તારું ઈષ્ટ એવું સિદ્ધપદ પ્રાપ્ત
થશે...ને તારા શત્રુઓ જીતાઈ જશે. આ છે શત્રુંજયસન્દેશ?
બીજા બે ભાઈ સહદેવ અને નકુલ...તેઓ મોક્ષ ન પામતાં સ્વર્ગમાં ગયા કેમકે
‘પોતાના ભાઈઓનું શું થતું હશે!’ એવી ચિન્તામાં તેઓ રોકાઈ ગયા...ને લક્ષની
એકાગ્રતા ચુકી ગયા...તેઓ એવો સન્દેશ આપે છે કે હે જીવો! પારકી ચિન્તામાં રોકાશો
નહિ.. સ્વલક્ષને જ સાધવામાં ‘સ્થિર’ રહીને ‘પરાક્રમ’ વડે તે લક્ષમાં ઉપયોગને
‘એકાગ્ર’ કરજો. આ રીતે યુધિષ્ઠિર–ભીમ ને અર્જુન શત્રુંજયના શિખર પરથી સ્થિરતા–
વીરતા ને એકાગ્રતાનો સન્દેશ આપે છે.