: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
દેવોને સુખ હશે–એમ વિચારવામાં આવે તો,
તેમને પણ ખરેખર સુખ નથી, કેમકે જે સુખ
વિષયોને આધીન છે તે દુઃખનું જ કારણ છે.
(દુઃખી જીવો જ તે વિષયો તરફ ધસે છે.)
–એ પ્રમાણે જો યથાર્થ વિચારવામાં
આવે તો, સર્વપ્રકારે અસાર સંસાર–કે જે ઘોર
દુઃખનો સાગર છે–તેમાં ક્યાંય જરાપણ સુખ
નથી.
અરે જીવો! મોહનું આ માહાત્મ્ય તો
દેખો,–કે દુષ્કૃત્યવશ રાજા પણ વિષ્ટામાં કીડો
થાય છે અને તેમાં જ તે રતિ કરે છે.
પુત્ર તો ભાઈ થયો, ભાઈ તે દીયર
થયો, માતા તો પત્ની થઈ, પિતા જ પતિ
થયો; –અરે! ધર્મરહિત જીવોને એક જ
ભવમાં આવા સંબંધો થઈ જાય છે, તોપછી
અન્યભવોનું તો શું કહેવું?
(અહીં કાર્તિકેયાનુપ્રેક્ષાની ટીકામાં એક
ભવમાં અઢાર સંબંધ થવાની કથા લખેલ છે.
પૂર્વભવમાં મુનિરાજની નિંદા કરવાને લીધે જે
વસંતતિલકા નામની વેશ્યાની પુત્રી થઈ છે
અને પોતાના ભાઈની જ પત્ની થઈ છે તે
કમળા, તેના વરુણ નામના ભાઈને
પારણામાં ઝુલાવતાં તેની સાથેના વિચિત્ર
સંબંધો કહે છે કે–તું મારો પુત્ર પણ છે,
ભત્રીજો પણ છે, ભાઈ પણ છે, દીયર પણ છે,
કાકો પણ છે અને પૌત્ર પણ છે. પૂરીકથા
માટે જુઓ ગુજરાતી કાર્તિકેયાનુપ્રેક્ષા પૃ.
૩૧)
આવો આ વિચિત્ર સંસાર પંચવિધ
પરિભ્રમણયુક્ત છે–દ્રવ્યપરિભ્રમણ,
ક્ષેત્રપરિભ્રમણ, કાળપરિભ્રમણ,
ભવપરિભ્રમણ અને ભાવપરિભ્રમણ.–આવા
પંચપરાવર્તનરૂપ સંસારમાં મિથ્યાત્વ–
કષાયસંયુક્તજીવ વિવિધ કર્મપુદ્ગલોને તથા
નોકર્મપુદગલોને દરેક સમયે બાંધે છે. અને
છોડે છે. (–આ દ્રવ્યપરાવર્તન છે.) આ
સમસ્ત લોકાકાશનો એવો કોઈ ભાગ નથી કે
જ્યાં દરેક જીવ જન્મ્યો–મર્યો ન હોય. (આ
ક્ષેત્રપરાવર્તન છે.) ઉત્સર્પિણી તેમજ
અવસર્પિણી કાળના પ્રથમ સમયથી માંડીને
અનુક્રમે છેલ્લા સમય સુધી દરેક સમયમાં જીવ
જન્મ–મરણ કરે છે. (–આ કાળપરાવર્તન
છે.) નરકાદિ ચારે ગતિમાં જઘન્યસ્થિતિથી
માંડીને ઉત્કૃષ્ટસ્થિતિ સુધી અનુક્રમે દરેક
આયુસ્થિતિમાં જીવ જન્મે છે; આ રીતે ગ્રૈવેયક
સુધીના ભવમાં જન્મે છે. (–આ
ભવપરાવર્તન છે.) અને, જઘન્યથી માંડીને
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા અનુભાગબંધના
નિમિત્તરૂપ વિવિધકષાયરૂપ પરિણમતો જીવ
સંસારમાં ભમે છે તે ભાવપરાવર્તન છે.–એ
પ્રમાણે, ઘણા દુઃખના નિધાન એવા
પંચપરાવર્તનરૂપ સંસારમાં જીવ
અનાદિકાળથી મિથ્યાત્વદોષને લીધે ભમે છે.
–એ રીતે સંસારનું સ્વરૂપ જાણીને, તથા
સર્વપ્રકારના ઉદ્યમથી મોહને છોડીને, હે
જીવ! તું એ આત્મસ્વભાવને ધ્યાવ–કે
જેનાથી સંસારપરિભ્રમણનો અંત આવે.