: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૧પ :
જીવ સંસારસમુદ્રમાં ડુબે છે. જિનરંજન છોડીને તે જનરંજનમાં લાગ્યો છે; એટલે રાગમાં
ધર્મ મનાવનારા કુગુરુનાં વચન તેને મીઠાં લાગે છે–સમન્તભદ્ર સ્વામી કહે છે કે ભાઈ!
પરમતોનાં રાગપોષક વચન ભલે તને મૃદુ અને મધુર લાગતાં હોય પણ એમાં કાંઈ
નિજગુણની પ્રાપ્તિ નથી; નિજગુણ જે સમ્યગ્દર્શનાદિ અમૃત તેનાથી તો તે રહિત છે. ને
મિથ્યાત્વરૂપી ઝેરનાં તે પોષક છે. વીતરાગનાં વચનો જ આત્મગુણની પ્રાપ્તિ કરાવનારાં
છે–
–વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસમૂળ’ (શ્રીમદ્ રાજચંદ્ર)
રાગથી ધર્મ મનાવે એ તો બધી લોકરંજનની રીત છે. વીતરાગી દેવનો ઉપદેશ
તો આત્મરંજન માટે (અર્થાત્ આત્માને રાજી કરવા માટે, આત્માનો અનુભવ કરવા
માટે) છે; એ કાંઈ લોકરંજન માટે નથી. લોકો માને યા ન માને પણ કાંઈ વીતરાગનો
ઉપદેશ ફરે તેમ નથી. જગતમાં અનંતા આત્મા છે, દરેક ભિન્ન સ્વતંત્ર છે, ને અનંતા
આત્મા સિદ્ધ થયા છે; તે સિદ્ધભગવાન જેવું જ દરેક આત્માનું સ્વરૂપ છે–એમ
દ્રવ્યાનુયોગનાં શાસ્ત્રો ઓળખાવે છે, બહુમાનપૂર્વક આવા શાસ્ત્રોનું ચિંતન કરવું.
એક ‘જિનોક્ત’ ને બીજો ‘જનોક્ત’ એમ બે માર્ગ છે. જિનોક્ત માર્ગ તો
વીતરાગ છે; અને જનોક્ત એવા લૌકિક માર્ગમાં બહારથી ધર્મ મનાવે છે તેમાં ઘણા
લોકો લાગી જાય છે; એમાંય જો કોઈ રાજા કે પ્રધાન જેવા માણસ આવે તો લોકોનાં
ટોળાં ગાડરિયા પ્રવાહની જેમ તેમાં દોડી જાય છે, જેમ ઘેટાનું ટોળું વગરવિચાર્યે એકની
પાછળ બીજું ચાલ્યું જાય, તેમ લૌકિકજનો પોતાના હિતનો કંઈ પણ વિચાર કર્યા વગર
કુમાર્ગમાં ચાલ્યા જાય છે.–બાપુ! એ તો ‘જનરંજન’ છે, તેમાં ‘જિનરંજન’ નથી. જેને
આત્માની સાચી શ્રદ્ધાની ખબર નથી, ભેદજ્ઞાનની ખબર નથી, તે વીતરાગમાર્ગને
ભૂલીને અજ્ઞાનને અનુમોદે છે. અજ્ઞાનીઓમાં બહારના ત્યાગ વગેરે દેખીને તેનો તેને
મહિમા આવી જાય છે. પણ એમાં આત્માનું કોઈ હિત નથી. એ તો જનરંજનનો માર્ગ
છે, એનાથી લોકો કદાચ રાજી થશે પણ તારો પોતાનો આત્મા એનાથી પ્રસન્ન નહિ
થાય. ભાઈ! જગતને રૂડું દેખાડવા તેં અનંતકાળ ગાળ્યો પણ આત્માને રાજી કરવા તેં
કદી દરકાર કરી નહિ, પરને સુખી કરી દઈએ, પરનો ઉદ્ધાર કરી દઈએ, દેશને સ્વતંત્ર
કરી દઈએ, પૃથ્વી ઉપર સ્વર્ગ જેવું સુખ ઉતારી દઈએ–એવી વાતો સાંભળવી જગતને
સારી લાગે છે, પણ બાપુ! એમાં તો તારું જરાય હિત નથી, પરની કર્તૃત્વબુદ્ધિરૂપ
મિથ્યાત્વનું ઝેર એમાં ભર્યું છે, એ તો જીવનું અહિત કરનાર છે. સર્વજ્ઞદેવે બતાવેલું
અનેકાન્તમય વસ્તુસ્વરૂપ વીતરાગ છે, અમૃતની જેમ તે જીવનું પરમ હિત કરનાર છે,
આવા જિનોક્ત શુદ્ધતત્ત્વને જે નથી સાધતો તે સદા અવ્રતી અને મિથ્યાત્વી જ છે. માટે
શ્રીગુરુ કહે છે કે હે ભવ્ય! તું તારા આત્માના હિતને માટે આવા જિનોક્ત માર્ગને
ઓળખીને શુદ્ધ તત્ત્વને લક્ષમાં લે.