: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૩૬ અ :
સોનગઢમાં
ધાર્મિક અધ્યયન માટેની યોજના
પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની ૮૦મી જન્મજયંતિ વૈશાખ સુદ બીજના
રોજ મુંબઈમાં “રત્નચિન્તામણિ–મહોત્સવ” તરીકે ધામધૂમથી ઉજવવામાં આવશે. તેના
ઉપલક્ષમાં શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા નીચે મુજબની એક યોજના
વિચારવામાં આવી છે.
(૧) જૈન ધર્મમાં રુચિ રાખવાવાળા કોઈ પણ ત્યાગી અથવા સુયોગ્ય
વિદ્વાન કે જે અહીં રહીને ધાર્મિક અધ્યયન કરે, પૂજ્ય આત્મજ્ઞ સંત શ્રી કાનજી
સ્વામીનાં પ્રવચનોનું નિત્ય શ્રવણ કરે, અહીં તેમને માટે એક શિક્ષણ શિબિર ચાલે
તેમાં ખંતપૂર્વક અભ્યાસ કરે અને જે વિષયો અભ્યાસક્રમમાં રાખવામાં આવે તેમાં
નિપુણતા મેળવે.
(૨) આ રીતના કાર્યક્રમમાં સતત બે માસ સુધી ઉપસ્થિત રહે તેને માટે
અહીં નિવાસસ્થાનની તથા ખાનપાનાદિની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને
જેમને પ્રવાસ ખર્ચ આપવાની આવશ્યકતા જણાશે તેમને તે પણ આપવામાં
આવશે.
(૩) શાસ્ત્રાભ્યાસમાં નિપુણતા પ્રાપ્ત કર્યા પછી તેમને બહાર ગામ
ધર્મપ્રચારાર્થે મોકલવામાં આવશે. ત્યાં તેઓ, પૂજ્ય સ્વામીજી જે જૈન સિદ્ધાંતોનું
પ્રતિપાદન કરે છે તેવા પ્રકારનો ઉપદેશ જૈનજનતાને આપે, શિક્ષણશિબિર ખોલે અને
તેમાં વિદ્યાર્થીઓને તથા પ્રૌઢોને શિક્ષણ આપે.
(૪) પ્રચાર–કાર્ય માટે ગૃહસ્થ–વિદ્વાન જાય તેમને યોગ્યતાનુસાર વેતન પણ
આપવામાં આવશે.
(પ) સમયની અનુકૂળતા મુજબ આવા શિક્ષણ શિબિરો અહીં ખોલવામાં
આવશે અને તે ઓછામાં ઓછા બે માસ પર્યંત ચાલશે. આવી રીતે વરસ દરમ્યાન
ત્રણ વખતનો કાર્યક્રમ રહેશે અને તે હાલ તુરત બે વર્ષ સુધી ચાલુ રાખવામાં
આવશે. પ્રારંભનો આવો શિક્ષણ વર્ગ લગભગ મે માસમાં ચાલુ કરવાની ધારણા છે.