ફોન નં : ૩૪ “આત્મ ધર્મ” Regd. No. G. 182
_________________________________________________________________
જ્ઞાન અને રાગ જુદા છે
જ્ઞાન અને રાગ જુદા છે,–એમ જુદાપણું કહો કે અકર્તાપણું
કહો; કેમકે ભિન્નપણામાં કર્તાપણું ન હોય. પોતાથી ભિન્ન હોય તેને
આત્મા જાણે ખરો પણ કરે નહિ. જેમ કેવળજ્ઞાનમાં વિકલ્પ નથી તેમ
સાધકના શ્રુતજ્ઞાનમાં પણ વિકલ્પ નથી; જ્ઞાનથી વિકલ્પ જુદો છે,
એટલે જ્ઞાનમાં તે નથી. કેવળજ્ઞાનની ભૂમિકામાં તો વિકલ્પ છે જ
નહિ, જ્યારે શ્રુતજ્ઞાનની ભૂમિકામાં દેવ–ગુરુની ભક્તિ વગેરે વિકલ્પો
છે પણ જ્ઞાની તેને કરતો નથી, તેને જ્ઞાનથી ભિન્નપણે જાણે છે.
એટલે જ્ઞાનીને વિકલ્પ જ્ઞાનના જ્ઞેયપણે છે પણ જ્ઞાનના કાર્યપણે
નથી. જ્ઞાનપણે પરિણમેલો જીવ રાગાદિ કષાયોને સ્પર્શતોય નથી,–
સ્પર્શ્યો ત્યારે કહેવાય કે જો તેની સાથે એકતા કરે. જેમ આંખ અગ્નિને
અડતી નથી, (અડે તો દાઝી જાય) તેમ જ્ઞાનચક્ષુ શુભાશુભ–
કષાયરૂપ અગ્નિને અડતું નથી; જો અડે એટલે કે એકત્વ કરે તો તે
અજ્ઞાન થઈ જાય; માટે જ્ઞાન પરભાવોને અડતું નથી. કરતું નથી,
વેદતું નથી, તન્મય થતું નથી. આવા જ્ઞાનસ્વરૂપ આત્મા તે જ સાચો
આત્મા છે. રાગને કરે એવો આત્મા તે ‘સાચો આત્મા’ નથી. એટલે
કે આત્માનું ભૂતાર્થસ્વરૂપ એવું નથી. શુભરાગ વગેરે વ્યવહારક્રિયા
કરતાં કરતાં નિશ્ચય સમ્યક્ત્વાદિ થશે–એમ જે માને તેણે સાચા
આત્માને નથી જાણ્યો પણ રાગને (અનાત્માને) જ આત્મા માન્યો
છે, તે મોટો ખોટો છે (–મિથ્યાદ્રષ્ટિ છે). સત્ય એવા ભૂતાર્થ આત્માને
જાણ્યા વગર સમ્યગ્દર્શન ન થાય, સમ્યગ્દર્શન વગર ચારિત્રદશા
(મુનિપણું) ન હોય, ને ચારિત્રદશા વગર મોક્ષ ન હોય. ચારિત્ર
(મુનિદશા) વગર તો સમ્યગ્દર્શન હોઈ શકે, પણ ચારિત્રદશા
સમ્યગ્દર્શન વગર કદી હોઈ શકે નહિ. માટે મોક્ષાર્થિએ સાચા
આત્માનો નિર્ણય કરીને સમ્યગ્દર્શન કરવું જોઈએ. – ‘જ્ઞાનચક્ષુ’ માંથી
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (પ્રત: ૨પ૦૦)