Atmadharma magazine - Ank 305
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 45

background image
: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
આત્મહિત માટે
વૈરાગ્યરસભીનો ઉપદેશ
દૌલ!ં સમજ સુન ચેત સયાને કાલ વૃથા મત ખોવે;
યહ નરભવ ફિર મિલન કઠિન હૈ જો સમ્યક્ નહિ હોવે.
ભાઈ, અનંતવાર મનુષ્યભવ પામ્યો પણ આત્માના જ્ઞાન વિના તે વ્યર્થ
ગુમાવ્યો. યુવાનીમાં વિષયવાસનામાં ને ધનમાં એવો મોહ્યો કે બીજું કાંઈ સુઝે જ
નહીં! એ રીતે કિંમતી કાળ પાપમાં ગુમાવ્યો. જો કે આત્માનું હિત કરવા માંગે તો
યુવાનીમાં પણ કરી શકાય છે; પણ આ તો દરકાર નથી કરતા એવા જીવોની વાત છે.
અનંતવાર આત્માની દરકાર વગર યુવાની પાપમાં ગુમાવી, માટે આ અવસરમાં
આત્માની દરકાર કરજે–એમ ઉપદેશ છે.
મનુષ્યજન્મની યુવાનીનો કાળ–તે તો ધર્મની કમાણીનો ખરેખરો વખત છે,
એવા વખતે વિષયકષાયોમાં ડુબીને રત્નચિંતામણિ જેવો અવસર વેડફી નાંખે છે!
ભાઈ, આ મનુષ્યપણાની એકેક ઘડી મહા કિંમતી છે, લાખો–કરોડો રૂપિયા આપતાંય
એની એક ઘડી મળે તેમ નથી. નાનો હોય તો દડા ઊડાડવામાં વખત ગાળે ને મોટો
થાય એટલે પૈસા કમાવામાં વખત ચાલ્યો જાય. પણ ભાઈ, ક્ષણેક્ષણે તારા જીવનનો
દડો ઊડી જાય છે અને તારા આત્માની કમાણી ચુકી જવાય છે, તેની કાંઈ દરકાર
ખરી? આવો અવસર વ્યર્થ ગુમાવવા જેવો નથી.
વૃદ્ધાવસ્થા ક્યારે આવી જાય છે તેની ખબર પણ નથી પડતી; વૃદ્ધાવસ્થા થતાં
અર્ધમૃતક જેવી દશા થઈ જાય છે. દેહમાં અનેક રોગ થાય, હાલીચાલી શકાય નહિ,
ખાવાપીવામાં પરાધીનતા, ઈન્દ્રિયો કામ કરે નહિ, આંખે પૂરું દેખાય નહિ, સ્ત્રી–પુત્રાદિ
પણ કહેવું માને નહિ,–અને દ્રષ્ટિ તો એ બધા સંયોગો ઉપર જ પડી છે, એટલે જાણે કે
જીવન હારી ગયો–એમ તે જીવ દુઃખી–દુઃખી થઈ જાય છે, પણ બાલ–યુવાન–વૃદ્ધ ત્રણે
અવસ્થાથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને મોહી જીવ જાણતો નથી. ને આત્માના ભાન
વગર મનુષ્યપણું દુઃખમાં જ ગુમાવે છે.
વૃદ્ધાવસ્થામાંય આત્માનું કલ્યાણ કરવા ધારે તો કરી શકાય છે. –‘એ તો જાગ્યા
ત્યાંથી સવાર.’ અગાઉ તો ઘણા જીવો શરીરમાં સફેદ વાળ દેખતાં વૈરાગ્ય પામીને દીક્ષા
લઈ લેતાં, એવા પ્રસંગો બનતા. પણ હજી દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન પણ જ્યાં ન
હોય ત્યાં દીક્ષા ક્યાંથી લ્યે? ચૈતન્યની શ્રદ્ધા ચૂકીને દેહની અનુકૂળતામાં જ મૂર્છાઈ
ગયો, ને પ્રતિકૂળતા આવે ત્યાં દુઃખના ઢગલામાં જાણે દટાઈ