: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
ચિન્તા કરતો નથી, પારકી ચિન્તા તો વ્યર્થ છે કેમકે તારી ચિન્તા પ્રમાણે તો કાંઈ પરમાં
થતું નથી. ટી. બી. (ક્ષય) થાય, પક્ષઘાત થાય, ખબર પડે કે હવે આ પથારીમાંથી
ઊઠીને કદી દુકાને જઈ શકવાનો નથી, છતાં પણ પથારીમાં સૂતો સૂતો આત્માના વિચાર
કરે નહિ પણ ઘરના દુકાનના કે શરીરાદિના વિચાર કર્યા કરે, ને પાપના પોટલા બાંધીને
દુર્ગતિમાં જાય. નવરો પડે ત્યારે પારકી ચિન્તા કરે છે તેને બદલે આત્માની ચિન્તા કરે
તો કોણ રોકે છે? કોઈ રોકતું નથી; પણ એને પોતાને જ દરકાર ક્યાં છે? અરેરે, એને
હજી ભવદુઃખનો થાક નથી લાગતો! ભાઈ, આ મનુષ્યપણામાંય નહિ ચેત, તો પછી
ક્યારે ચેતીશ?
દૌલ! સમજ સુન ચેત સયાને કાલ વૃથા મત ખોવે;
યહ નરભવ ફિર મિલન કઠિન હૈ, જો સમ્યક્ નહિ હોવે.
મૃત્યુંજય
જ્ઞાની ખરેખર મૃત્યુંજય છે એટલે કે તેમણે મૃત્યુને જીતી લીધું છે.
જ્ઞાનીને મરણનો ભય નથી; કેમકે આત્મા કદી મરતો જ નથી, આત્મા તો
પોતાના ચૈતન્યપ્રાણથી સદા જીવંત જ છે. –આવા આત્મજીવનને જ્યાં
નિઃશંકપણે જાણ્યું ત્યાં મરણનો ભય ક્યાંથી હોય?
દેહમાં જેને આત્મબુદ્ધિ છે એવો અજ્ઞાની જીવ, દેહમાં કે સંયોગમાં કંઈક
ફેરફાર થતાં ‘હાય...હાય! હવે હું મરી જઈશ, દેહ વિના ને રાગ વિના મારો
આત્મા જીવી નહિ શકે’–એમ મરણથી ભયભીત રહે છે. જ્ઞાનીએ તો પોતાના
આત્માને દેહથી અત્યંત જુદો જ જાણ્યો છે, –રાગથીયે પાર અનુભવ્યો છે,
એટલે દેહ છૂટવાના પ્રસંગે પણ મરણની બીક તેને હોતી નથી. જ્યાં મરણ જ
મારું નથી ત્યાં બીક કોની?
વન જંગલમાં સંત મુનિ આત્મધ્યાનમાં બેઠા હોય....ને ત્યાં વાઘનું
ટોળું આવીને તેમને ઘેરી વળે...કે બોમ્બના ગોળા વરસે તોપણ મુનિ ભયભીત
થતા નથી કે આ વાઘનું ટોળું કે આ બોમ્બવર્ષા મારો નાશ કરશે! ‘હું તો
અરૂપી જ્ઞાનસ્વરૂપ છું, મારું જ્ઞાન અવધ્ય છે–કોઈથી હણાય નહિ, એટલે આ
વાઘનું ટોળું કે બોમ્બનું ગોળું મારો નાશ કરવા સમર્થ નથી’–એમ નિઃશંક
વર્તતા થકા જ્ઞાની નિર્ભયપણે પોતાના જ્ઞાનસ્વરૂપને સાધીને સિદ્ધ થાય છે.