: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
અજ્ઞાની
‘અર્થનો અનર્થ’ કરે છે
દ્રવ્ય–ગુણ–પર્યાય તે ‘અર્થ’ છે. દ્રવ્ય પોતે જ ગુણ–પર્યાયોને પામે છે, ને ગુણ
પર્યાયો પોતે દ્રવ્યને પામે છે. પણ તે કોઈ બીજા અર્થોને પ્રાપ્ત કરતા નથી કે બીજા અર્થ
વડે પ્રાપ્ત કરાતા નથી. –આવી સ્વતંત્ર અર્થવ્યવસ્થા (વસ્તુસ્વરૂપ) છે.
હવે આવા અર્થને જે નથી જાણતો, ને પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયનો કોઈ અંશ
બીજા વડે પ્રાપ્ત થવાનું માને છે, અથવા બીજાના કોઈ પણ દ્રવ્ય–ગુણ–પર્યાય પોતે કરે
એમ જે માને છે–તે ‘અર્થ’ નો અનર્થ કરે છે. આંખના અંધ કરતાં પણ આ ‘અર્થનો
અનર્થ’ કરનારને મિથ્યાત્વનો મહાન દોષ છે. દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ વસ્તુના યથાર્થ
સ્વરૂપને જાણતાં મોહનો ક્ષય થાય છે.
વસ્તુ પોતાના ગુણ–પર્યાયમાં રહે છે, એટલે તેને જ તે કરે છે; પરના ગુણ–
પર્યાયોને તે કરતી નથી. જો પરને કરે તો તે પરમાં ચાલી જાય ને પદાર્થ–વ્યવસ્થા જ ન
રહે, અર્થનો અનર્થ થઈ જાય. માટે આચાર્યદેવ કહે છે કે–
અહો, જિનેન્દ્રદેવના પરમ અદ્ભુત ઉપદેશમાં દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ
વસ્તુસ્વરૂપનો યથાર્થ બોધ કરાવ્યો છે, તેને પામીને હે જીવો! તીક્ષ્ણ પુરુષાર્થ વડે તમે
મોહનો નાશ કરો...ને આત્મસ્વરૂપના અતીન્દ્રિયસુખને અનુભવો.
* દરેક વસ્તુ પોતપોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં રહેલી છે;
* મારા દ્રવ્ય–ગુણ–પર્યાય મારા ચેતનરૂપ છે, તેને પરની સાથે સંબંધ નથી;
* પરના દ્રવ્ય–ગુણ–પર્યાયોને તે–તે પદાર્થો સાથે સંબંધ છે, મારી સાથે તેને કાંઈ
સંબંધ નથી.
–આમ સ્વ–પરના વિભાગદ્વારા મોહનો નાશ થાય છે. કેમકે જિનોપદેશઅનુસાર
સ્વ–પરની અત્યંત વહેંચણી કરનાર જીવ, પોતાની પર્યાયની શુદ્ધી માટે બીજાની સામે
નથી જોતો (–પર સાથે એકતા નથી માનતો), પણ પોતાના સ્વદ્રવ્યની સન્મુખ જુએ
છે ને સ્વમાં જ એકત્વ કરીને પરિણમે છે. ને એવા સ્વભાવસન્મુખ પરિણમનમાં
મોહનો અભાવ થઈને નિર્મોહી વીતરાગીદશા ને પરમ સુખ પ્રગટે છે.