Atmadharma magazine - Ank 307
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 66

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: ૧૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
અદ્ભુત વ્યાખ્યાનશૈલી અને સમ્યગ્દર્શનનો મહિમા
સં. ૧૯૯૧ સુધી મહારાજશ્રીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી બોટાદ, વઢવાણ,
અમરેલી, પોરબંદર, જામનગર, રાજકોટ વગેરે ગામોમાં ચાતુર્માસ કર્યાં અને શેષકાળમાં
સેંકડો નાનાંમોટા ગામોને પાવન કર્યાં. કાઠિયાવાડના હજારો માણસોને મહારાજશ્રીના
ઉપદેશ પ્રત્યે બહુમાન પ્રગટ્યું. અંતરાત્મધર્મનો ઉદ્યોત ઘણો થયો જે ગામમાં
મહારાજશ્રીનું ચાર્તુમાસ હોય ત્યાં બહારગામનાં હજારો ભાઈબહેનો દર્શનાર્થે જતાં અને
તેમની અમૃતવાણીનો લાભ લેતાં. મહારાજશ્રી શ્વેતામ્બર સંપ્રદાયમાં રહ્યા હોવાથી
વ્યાખ્યાનમાં મુખ્યત્વે શ્વેતામ્બર શાસ્ત્રો વાંચતા (જોકે છેલ્લા વર્ષોમાં સમયસારાદિ પણ
સભા વચ્ચે વાંચતા હતા.) પરંતુ તે શાસ્ત્રોમાંથી, પોતાનું હૃદય અપૂર્વ હોવાથી, અન્ય
વ્યાખ્યાતાઓ કરતાં જુદી જ જાતના અપૂર્વ સિદ્ધાંતો તારવતા, વિવાદના સ્થળોને
છેડતા જ નહિ. ગમે તે અધિકાર તેઓશ્રી વાંચે પણ તેમાં કહેલી હકીકતોને અંતરના
ભાવો સાથે મીંઢવીને તેમાંથી એવા અલૌકિક આધ્યાત્મિક ન્યાયો કાઢતા કે જે ક્્યાંય
સાંભળવા ન મળ્‌યા હોય. ‘જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવ પણ હેય
છે....શરીરમાં રોમે રોમે તીવ્ર રોગ થવા તે દુઃખ જ નથી, દુઃખનું સ્વરૂપ જુદું
છે...વ્યાખ્યાન સાંભળીને ઘણા જીવો બૂઝે તો મને ઘણો લાભ થાય એમ માનનાર
વ્યાખ્યાતા મિથ્યાદ્રષ્ટિ છે....આ દુઃખમાં સમતા નહિ રાખું તો કર્મ બંધાશે–એવા ભાવે
સમતા રાખવી તે પણ મોક્ષમાર્ગ નથી...પાંચ મહાવ્રત પણ માત્ર પુણ્યબંધના કારણ છે.’
આવા હજારો અપૂર્વ ન્યાયો મહારાજશ્રી વ્યાખ્યાનમાં અત્યંત સ્પષ્ટ રીતે લોકોને
સમજાવતા. દરેક વ્યાખ્યાનમાં મહારાજશ્રી સમ્યગ્દર્શન પર અત્યંત અત્યંત ભાર મૂકતા.
તેઓશ્રી અનેક વાર કહેતા કે “શરીરનાં ચામડાં ઊતરડીને ખાર છાંટનાર ઉપર પણ
ક્રોધ ન કર્યો–એવાં વ્યવહાર ચારિત્રો આ જીવે અનંતવાર પાળ્‌યાં છે, પણ સમ્યગ્દર્શન
એકવાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખો જીવોની હિંસાના પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ
અનંતગણું છે.....સમકિત સહેલું નથી. લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય
છે. સમકિતી જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે છે, સમકિતી આખા બ્રહ્માંડના
ભાવોને પી ગયો હોય છે. આજકાલ તો સૌ પોતપોતાના ઘરનું સમકિત માની બેઠા છે.
સમકિતીને તો મોક્ષના અનંત સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. સમકિતીનું તે સુખ,
મોક્ષના સુખના અનંતમાં ભાગે હોવા છતાં અનંત છે.’ અનેક રીતે, અનેક દલીલોથી,
અનેક પ્રમાણોથી, અનેક દ્રષ્ટાંતોથી સમકિતનું અદ્ભુત માહાત્મ્ય તેઓશ્રી લોકોને
ઠસાવતા. મહારાજશ્રીની જૈનધર્મ પરની અનન્ય શ્રદ્ધા, આખું જગત ન માને તોપણ
પોતાની માન્યતામાં પોતે એકલા ટકી રહેવાની તેમની અજબ દ્રઢતા અને અનુભવના
જોરપૂર્વક નીકળતી તેમની ન્યાયભરેલી વાણી ભલભલા નાસ્તિકોને વિચારમાં નાખી
દેતી અને કેટલાકને આસ્તિક બનાવી દેતી. એ કેસરીસિંહનો સિંહનાદ પાત્ર જીવોના