જગતના અભિપ્રાયો સામે ઝૂઝતા એ અધ્યાત્મયોગીની ગર્જના જેમણે સાંભળી હશે
તેમના કાનમાં હજુ તેનો રણકાર ગુંજતો હશે.
મુખ્યત્વે આવતા હોય છે. પરંતુ કાનજી મહારાજ જ્યાં પધારે ત્યાં તો યુવાનો,
કેળવાયેલા માણસો, વકીલો, દાક્તરો, શાસ્ત્રના અભ્યાસીઓ વગેરેથી ઉપાશ્રયે
ઊભરાઈ જતો. મોટાં ગામોમાં મહારાજશ્રીનું વ્યાખ્યાન પ્રાય: ઉપાશ્રયમાં નહિ પણ કોઈ
વિશાળ જગ્યામાં રાખવું પડતું. દિવસે દિવસે તેમની ખ્યાતિ વધતી જ ગઈ. વ્યાખ્યાનમાં
હજારો માણસો આવતાં. આસપાસનાં ગામોમાંથી પણ માણસો આવતાં. આગળ જગ્યા
મળે એ હેતુથી સેંકડો લોકો કલાક–દોઢદોઢ કલાક વહેલા આવીને બેસી જતા. કોઈક
જિજ્ઞાસુઓ વ્યાખ્યાનોની ટૂંકી નોંધ કરી લેતા. જે ગામમાં મહારાજશ્રી પધારે તે ગામમાં
શ્રાવકોના ઘરે ઘરે ધર્મની ચર્ચા ચાલતી અને સર્વત્ર ધર્મનું વાતાવરણ જામી રહેતું.
શેરીઓમાં શ્રાવકોનાં ટોળાં ધર્મની વાતો કરતાં નજરે પડતાં. સવાર, બપોર ને સાંજ
ઉપાશ્રયના રસ્તે જનસમુદાયની ભારે અવર–જવર રહ્યા કરતી. ઉપાશ્રયમાં લગભગ
આખો દિવસ તત્ત્વજ્ઞાનચર્ચાની શીતળ લહરીઓ છૂટતી. કેટલાક મુમુક્ષુઓનું તો
વેપારધંધામાં ચિત્ત ચોટતું નહિ ને મહારાજશ્રીની શીતળ છાયામાં ઘણોખરો વખત
ગાળતા. આ રીતે ગામોગામ અનેક સુપાત્ર જીવોના હૃદયમાં મહારાજશ્રીએ સત્ની
રુચિનાં બીજ રોપ્યાં. મહારાજશ્રીના વિયોગમાં પણ તે મુમુક્ષુઓ મહારાજશ્રીનો બોધ
વિચારતા, ભવભ્રમણ કેમ ટળે, સમ્યક્ત્વ કેમ પ્રાપ્ત થાય–તેની ઝંખના કરતા કોઈ વાર
ભેગા મળીને તત્ત્વચર્ચા કરતા, મહારાજશ્રીએ કહેલાં પુસ્તકો વાંચતા–વિચારતા.
મહારાજશ્રીનાં વ્યાખ્યાનની નોંધ મુમુક્ષુ ભાઈબહેનો પાસેથી મેળવી વાંચી લેતાં.