લાગતો હોવાથી તેઓશ્રીએ યોગ્ય સમયે કાઠિયાવાડના સોનગઢ નામના ગામમાં ત્યાંના
એક ગૃહસ્થના ખાલી મકાનમાં સં. ૧૯૯૧ ના ચૈત્ર સુદ ૧૩ ને મંગળવારને દિને
‘પરિવર્તન’ કર્યું. –સ્થાનકવાસી સંપ્રદાયનું ચિહ્ન જે મુહપત્તિ તેનો ત્યાગ કર્યો. સંપ્રદાય
ત્યાગનારાઓને કેવી કેવી અનેક મહાવિપત્તિઓ પડે છે, બાળ જીવો તરફથી અજ્ઞાનને
લીધે તેમના પર કેવી અઘટિત નિંદાની ઝડીઓ વરસે છે, તેનો તેમને સંપૂર્ણ ખ્યાલ
હતો, પણ તે નીડર ને નિસ્પૃહ મહાત્માએ તેની કાંઈ પરવા કરી નહિ. સંપ્રદાયના હજારો
શ્રાવકોના હૃદયમાં મહારાજશ્રી અગ્રસ્થાને બિરાજતા હતા તેથી ઘણા શ્રાવકોએ
મહારાજશ્રીને પરિવર્તન નહિ કરવા અનેક પ્રકારે પ્રેમભાવે વીનવ્યા હતા. પરંતુ જેના
રોમે રોમમાં વીતરાગપ્રણીત યથાર્થ સન્માર્ગ પ્રત્યે (સમ્યક્ દિગંબર જૈન ધર્મ પ્રત્યે)
ભક્તિ ઊછળતી હતી તે મહાત્મા એ પ્રેમભરી વિનવણીની અસર હૃદયમાં ઝીલી, રાગમાં
તણાઈ, સત્ને કેમ ગૌણ થવા દે? સત્ પ્રત્યેની પરમ ભક્તિમાં સર્વ પ્રકારની
પ્રતિકૂળતાનો ભય ને અનુકૂળતાનો રાગ અત્યંત ગૌણ થઈ ગયા. જગતથી તદ્ન
નિરપેક્ષપણે, હજારોની માનવમેદનીમાં ગર્જતો સિંહ સત્ને ખાતર સોનગઢના એકાંત
સ્થળમાં જઈને બેઠો.
નિર્જન સ્થળમાં માત્ર (મહારાજશ્રીના પરમભક્ત) જીવણલાલજી મહારાજ સાથે અને
કોઈ દર્શનાર્થે આવેલા બે ચાર મુમુક્ષુઓ સાથે સ્વાધ્યાય, જ્ઞાન ધ્યાન વગેરેમાં લીન
થયેલા મહારાજશ્રીને જોતાં હજારોની માનવમેદની સ્મૃતિગોચર થતી અને તે
જાહોજલાલીને સર્પકંચુકવત છોડનાર મહાત્માની સિંહવૃત્તિ, નિરીહતા અને નિર્માનતા
આગળ હૃદય નમી પડતું.
મહારાજશ્રી ૧૯૯૧ ની સાલ સુધીમાં કાઠિયાવાડમાં લગભગ દરેક સ્થાનકવાસીના
હૃદયમાં પેસી ગયા હતા, મહારાજશ્રી પાછળ કાઠિયાવાડ ઘેલું બન્યું હતું. તેથી
મહારાજશ્રીએ જે કર્યું હશે તે સમજીને જ કર્યું હશે’ એમ વિચારીને ધીમે ધીમે ઘણા લોકો
તટસ્થ થઈ ગયા. કેટલાક લોકો સોનગઢમાં શું ચાલે છે તે જોવા આવતા, પણ
મહારાજશ્રીનું પરમ પવિત્ર જીવન અને અપૂર્વ ઉપદેશ સાંભળી તેઓ ઠરી જતા,