: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
વૈરાગ્ય પ્રેરક વાતાવરણમાં ગુરુદેવે લાગણીભીના હૃદયે બોધવચનો સંભળાવ્યાં; તેમાં
ખાસ એમ કહ્યું કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, દોષ અને પાપ તેનું ખરું સ્વરૂપ નથી.
અજ્ઞાનથી આવેશમાં જીવ પાપ કરી નાંખે છે પણ તે કાંઈ કાયમી વસ્તુ નથી,
એટલે તે દોષને ટાળી શકાય છે, ને જ્ઞાનવડે નિર્દોષ સુખીજીવન જીવી શકાય છે.
આત્માને ન ઓળખે ત્યાં સુધી અજ્ઞાનથી બધાય જીવો સંસારરૂપી જેલમાં જ પડેલા છે,
દેહથી ભિન્ન આત્મા શું ચીજ છે તેનું ભાન કરે ત્યારે તે સંસારબંધનરૂપી જેલમાંથી
છૂટીને મોક્ષસુખ પામે છે. બંધનમાં તો સુખ કેમ હોય? જ્ઞાનસ્વભાવ બંધન વગરનો છે
તે જ સુખરૂપ છે, તેની ઓળખાણ કરતાં બંધન ટળે છે ને સુખ થાય છે.
જેલમાં, જેને થોડા જ દિવસો પછી ફાંસી થવાની હતી એવા એક નાની ઉંમરના
ઉદાસ યુવાનને દેખીને વૈરાગ્યથી રોમાંચ ખડા થઈ જતા હતા. મરણ તો સામે જ
આવીને ઊભું હતું. ગુરુદેવ કહે–અરે! ક્ષણિક આવેશમાં જીવ શું કરી નાંખે છે એનું એને
ભાન નથી આવું જીવન પામીને જીવનમાં સારું કાર્ય કરવા જેવું છે. પાપીમાં પાપી જીવ
પણ ક્ષણમાં પાપપરિણામ પલટાવીને આત્માનું ભાન કરી શકે છે, ને પોતાનું જીવન
સુધારી શકે છે. જેલના કેદીઓની માફક અંધશાળાનાં અંધ ભાઈબહેનોને પણ ગુરુદેવે
સંબોધન કરેલું, તે પણ એક વૈરાગ્યભીનો પ્રસંગ હતો.
રાજકોટમાં સમવસરણ અને માનસ્તંભનું શિલાન્યાસ કરીને પછી જોરાવરનગર
થઈને ગુજરાતના રખિયાલ ગામે પધાર્યા, ત્યાં પણ નૂતન જિનમંદિરમાં જિનેન્દ્ર
ભગવંતોની વેદી પ્રતિષ્ઠાનો ઉત્સવ ફાગણ સુદ ૧૪ થી ફાગણ વદ ત્રીજ સુધી થયો;
પાંચ હજાર ઉપરાંત માણસોએ તેમાં ભાગ લીધો. ગુજરાતનો આ એક મહાન ઉત્સવ
હતો. તેમાં દોઢસો જેટલા તંબુ બંધાયેલા ને ‘નેમિનાથનગર’ વસેલું. ગુરુદેવના પ્રતાપે
નાનકડા ગામમાં મોટો ઉત્સવ ઉજવાયો.
ત્યારબાદ ગુજરાતનાં ગામો દેહગામ, સોનાસન, ફત્તેપુર, રણાસણ અને તલોદ
થઈને પછી વઢવાણશહેર, ગોંડલ, તથા જેતપુર પધાર્યા; જેતપુરથી તા. ૧૩–૩–૬૪ ની
સાંજે ગિરનાર તળેટીમાં જઈને એ સિદ્ધિધામને વંદન કરી આવ્યા...ત્યાં નેમનાથપ્રભુનો
વૈરાગ્યજીવનનો સાક્ષાત્કાર કરાવે એવી ભાવભીની ભક્તિ થઈ. (જેતપુરથી ગિરનાર
પંદર માઈલ નજીક છે.) જેતપુર પછી પોરબંદર, લાઠી, સાવરકુંડલા, કાનાતળાવ,
મોટાઆંકડિઆ થઈને ઉમરાળા–જન્મધામમાં પધાર્યા. પોરબંદરમાં ત્યાંના મહારાણાશ્રી