: ૫૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
ભગવાન! તું જડથી ને રાગાદિથી જુદો જ્ઞાનાનંદસ્વરૂપ છો. દેહથી ભિન્ન
ચૈતન્યમૂર્તિ આત્મા પોતાનું સ્વરૂપ ભૂલીને, રાગને જ અનુભવતો થકો અનાદિથી દુઃખી
છે. જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે પ્રભો! આ આત્મા દુઃખથી કેમ છૂટે? શું કરવાથી આત્માને
આનંદનું વેદન થાય, ને દુઃખ મટે? એમ અંતરમાં આત્માનો જિજ્ઞાસુ થઈને જે શિષ્ય
પૂછે છે તેને આચાર્યદેવ દુઃખથી છૂટવાની રીત બતાવે છે કે હે ભવ્ય! પ્રથમ તો જ્ઞાનને
અંતરમાં વાળીને તું આત્માનો નિર્ણય કર. કેવો નિર્ણય કરવો? –તો કહે છે કે–
છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાનદર્શનપૂર્ણ છું,
એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરું.
નિર્વિકલ્પ સ્વસંવેદનપ્રત્યક્ષ એવો વિજ્ઞાનઘન આત્મા હું છું, વિકલ્પ વડે પ્રત્યક્ષ
થાઉં એવો હું નથી, પણ સ્વસંવેદનજ્ઞાનવડે પ્રત્યક્ષ થાઉં એવો હું છું’ –એમ પોતાના
આત્માનો નિર્ણય કરવો આવો નિર્ણય કરનારને રાગના અવલંબનની બુદ્ધિ ન રહે,
વિકલ્પના કર્તૃત્વની બુદ્ધિ ન રહે. વિકલ્પ અને જ્ઞાનની અત્યંત ભિન્નતા નક્કી કરીને તે
પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળે છે, ત્યાં આસ્રવોથી એટલે કે દુઃખથી તે મુક્ત થાય છે,
ને આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષ કરીને આનંદને અનુભવે છે.
જુઓ, આ આત્મહિતની ઉત્તમ વાત છે, ને સ્ત્રી–પુરુષ દરેક જીવને સમજાય તેવી
છે, અનુભવમાં આવે તેવી છે. સ્ત્રી ને પુરુષ તે તો ઉપરના ખોળિયા છે, અંદર જીવ
ચૈતન્યમૂર્તિ છે. મક્ષીજીમાં આ પહેલી જ વાર પ્રવચન થાય છે; ભગવાને કહેલો મોક્ષનો
માર્ગ આજે આ મક્ષીજીમાં પ્રસિદ્ધ થાય છે. આવા આત્માનું ભાન કરીને અનંતા જીવો
મોક્ષ પામ્યા છે.
બપોરે વિદ્વાનો સાથે અનેકવિધ ચર્ચા પ્રસંગે ગુરુદેવે કહ્યું કે લાખો કરોડો
રૂપિયાની કિંમતના હીરા–માણેક વગેરે ઝવેરાત વડે જેની કિંમત થઈ શકે નહીં એવો
ચૈતન્ય–ચિન્તામણિરત્ન આત્મા છે; શુભવિકલ્પ વડે પણ એની કિંમત થઈ શકે નહિ.
એની કિંમત, એટલે કે એનો અનુભવ રાગવડે થઈ શકે નહિ પણ સ્વસંવેદન–પ્રત્યક્ષવડે
જ તેની કિંમત ને અનુભવ થઈ શકે છે. એવા અનુભવ વડે જ આત્માનું દુઃખ મટે છે. ને
આનંદ પ્રગટે છે. આવો અનુભવ તે મોક્ષનો ઉપાય છે, તેના વડે જ બંધનથી છૂટાય છે.
આવા અમૂલ્ય ચૈતન્યરત્નને ઓળખીને અનુભવમાં લેવા જેવું છે.