: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૫૫ :
મક્ષીજીમાં મોક્ષનો માર્ગ
*
ગત વૈશાખ વદ ૬–૭ (તા. ૭–૮ મે ૧૯૬૯) ના
બે દિવસ દરમિયાન મક્ષીજીમાં પાર્શ્વનાથપ્રભુજીની
પ્રતિષ્ઠાનો જે મંગલ ઉત્સવ ઉજવાયો, તથા તે
દરમિયાન સમયસાર ગાથા ૭૩ ઉપર પૂ. શ્રી કાનજી
સ્વામીનાં પ્રવચનો થયા, તેની યાદી અહીં આપવામાં
આવી છે. એ વખતે ધોમધખતો તાપ અને જંગલ, છતાં
કહાનગુરુના પ્રતાપે મક્ષીજીમાં મંગલ થઈ ગયું હતું.
(બ્ર. હ. જૈન)
મધ્યપ્રદેશમાં ઈંદોરથી ૪પ માઈલ દૂર મક્ષીજી આવેલું છે; ત્યાં બે મુખ્ય
જિનમંદિરો છે. એક જિનમંદિરમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને દિગંબર અને
શ્વેતાંબર બંને સમાજ પૂજે છે; બીજું મંદિર દિગંબર જૈનસમાજનું છે,–જેનો જિર્ણોદ્ધાર
કરાવીને નવીન કમલવેદી પર ભગવાન પાર્શ્વનાથપ્રભુની વિશાળ પ્રતિમા બિરાજમાન
કરવામાં આવી છે, સવાપાંચ ફૂટના આ ભવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા ફાગણ માસમાં
રણાસણ (ગુજરાત) માં થઈ હતી; ત્યારબાદ મક્ષીજીમાં તેની સ્થાપના કરીને દિગંબર
જૈનસમાજના હજારો લોકો હોંશથી દર્શન–પૂજન કરતા હતા. તેની પ્રતિષ્ઠા સંબંધી ભવ્ય
ઉત્સવ વૈશાખ માસમાં ઉજવાયો, ને એ પ્રસંગે પૂ. કાનજીસ્વામી વૈશાખ વદ પાંચમે
સાંજે ઈંદોરથી મક્ષી પધાર્યા હતા. બીજે દિવસે સવારમાં મક્ષીના પારસનગર–મંડપમાં
ઝંડારોપણ મુંબઈ મુમુક્ષુ મંડળના પ્રમુખશ્રી રમણીકભાઈ શેઠના હસ્તે થયું. આ ઉત્સવ
પ્રસંગે મુંબઈ, ઉજ્જૈન, ભોપાલ, ઈંદોર, ગુના, ખંડવા વગેરેના અનેક મુમુક્ષુ ભાઈઓ
ઉપરાંત આસપાસના ગામોથી હજારો સાધર્મીઓ આવ્યા હતા. મક્ષી ગામની વસ્તી
પાંચેક હજારની છે તેમાં બહારગામથી બીજા દસહજાર જેટલા માણસો આવતાં ધાર્મિક
મેળાનું વાતાવરણ સર્જાઈ ગયું હતું; ખેતરો વચ્ચે સેંકડો તંબુઓથી એક નવી જ
નાનકડી નગરી વસી ગઈ હતી. આવી નગરીમાં સમયસારની ૭૩ મી ગાથા ઉપર
પ્રવચન કરતાં છ સાત હજાર શ્રોતાજનોની સભામાં ગુરુદેવે કહ્યું કે–