Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 80

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૫ :
પરિણામરૂપ ધર્મ જીવના સ્વભાવના અવલંબને જ થાય છે. પરના અવલંબને
રાગાદિની ઉત્પત્તિ થશે ને તેનું ફળ પણ બહારનો સંયોગ આવશે; તે સંયોગના લક્ષે તો
રાગ ને આકુળતા જ થશે. નિરાકુળ સુખ તો જ્ઞાનસ્વભાવના અવલંબને જ થશે. આમ
જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નતા નક્કી કરીને, જ્ઞાનસ્વભાવનું અવલંબન લેવું તે
મોક્ષનું બીજ છે. માટે તમે આવો નિર્ણય કરીને જ્ઞાનસ્વભાવનું અવલંબન લ્યો.
આત્મા ચૈતન્યમૂર્તિ આનંદનું ઝાડ છે, તેનો પાક થઈને તેમાંથી આનંદનું ફળ
આવે છે. ને રાગાદિ વિકારભાવો તે દુઃખનું ઝાડ છે, તેનો પાક દુઃખરૂપ ફળ દેનાર છે. –
આમ બંનેના સ્વરૂપની અત્યંત ભિન્નતાને જીવ જ્યારે ઓળખે છે ત્યારે તે રાગનું
અવલબંન છોડે છે ને વિજ્ઞાનઘનસ્વભાવનું અવલંબન લ્યે છે; આ રીતે આત્માના
આનંદનો અનુભવ થાય છે. સાચા નિર્ણયનું આ ફળ છે.
ધર્મ કહો, કે આત્માની વીતરાગપર્યાય કહો; તે કેમ થાય? રાગના અવલંબને
વીતરાગપર્યાય ન થાય. રાગથી પાર ચિદાનંદ સ્વભાવ હું છું–એવો નિર્ણય કરીને તેનું
અવલંબન કરતાં વિજ્ઞાનઘનરૂપ વીતરાગપર્યાય પ્રગટે છે. –એ ધર્મ છે ને એ જ મોક્ષમાર્ગ છે.
મારું અસ્તિત્વ
* મારા આત્મામાં અસ્તિત્વગુણ છે,
તેથી આત્માનું અસ્તિત્વ કદી મટતું નથી.
અસ્તિત્વ મટતું નથી એટલે મરણ થતું નથી.
અસ્તિપણે આત્મા સદાય છે....છે......ને છે.
* શરીર હોય ત્યારે પણ આત્મા પોતાના ચૈતન્યભાવથી જીવતો છે.
શરીર ન હોય ત્યારે પણ આત્મા પોતાના ચૈતન્યભાવથી જીવતો છે.
શરીર કપાય કે છૂટું પડે તેથી કાંઈ આત્મા મરી જતો નથી.
* આત્માનું અસ્તિત્વ શરીરથી જુદું છે.
આત્મા કદી મરતો નથી..........
ચૈતન્ય જીવનથી સદાય મારું અસ્તિત્વ છે.
મારા અસ્તિત્વથી હું સદાય જીવતો જ છું.