: ૩૮ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
સાચી પરંપરા કે નવીન માર્ગ?
[પં. ટોડરમલજીએ અનેક પ્રકારની સ્પષ્ટતા કરી છે તેમાં કુળપરંપરા સંબંધી
પણ સુંદર સ્પષ્ટતા કરી છે તે અહીં આપીએ છીએ.]
કોઈ જીવ તો કુળક્રમવડે જ જૈની છે પણ જૈનધર્મનું સ્વરૂપ જાણતા નથી, માત્ર
કુળમાં જેવી પ્રવૃત્તિ ચાલતી આવે છે તે જ પ્રમાણે તેઓ પ્રવર્તે છે. તે તો જેમ અન્યમતિ
પોતાના કુળધર્મમાં પ્રવર્તે છે તે જ પ્રમાણે આ પણ પ્રવર્તે છે.
વળી જો પિતા દરિદ્રી હોય અને પોતે ધનવાન થાય તો ત્યાં કુળક્રમ વિચારી
પોતે દરિદ્રી રહેતો નથી, તો ધર્મમાં કુળનું શું પ્રયોજન છે? પિતા નર્કમાં જાય અને પુત્ર
મોક્ષ જાય છે તો ત્યાં કુળક્રમ ક્્યાં રહ્યો? જો કુળ ઉપર જ દ્રષ્ટિ હોય તો પુત્ર પણ
નર્કગામી થાય; માટે ધર્મમાં કાંઈ કુળક્રમનું પ્રયોજન નથી, પણ શાસ્ત્રોના અર્થને
વિચારી, કાળદોષથી જૈનધર્મમાં પણ પાપી પુરુષોએ કુદેવ–કુગુરુ–કુધર્મ સેવનાદિરૂપ વા
વિષય–કષાયના પોષણાદિરૂપ વિપરીત પ્રવૃત્તિ ચલાવી હોય તેનો ત્યાગ કરી,
જિનઆજ્ઞાઅનુસાર પ્રવર્તવું યોગ્ય છે.
પ્રશ્ન: પરંપરા છોડીને નવીન માર્ગમાં પ્રવર્તવું યોગ્ય નથી.
ઉત્તર: જો પોતાની બુદ્ધિથી નવીન માર્ગમાં પ્રવર્તે તો તે યોગ્ય નથી, પરંતુ
પરંપરા અનાદિનિધન જૈનધર્મનું સ્વરૂપ શાસ્ત્રોમાં પ્રરૂપણ કર્યું છે, તે પ્રવૃત્તિ છોડીને
વચ્ચે કોઈ પાપી પુરુષોએ અન્યથા પ્રવૃત્તિ ચલાવી હોય, તેને પરંપરામાર્ગ કેવી રીતે
કહેવાય? તથા તેને છોડી પુરાતન જૈન શાસ્ત્રોમાં જેવો ધર્મ પ્રરુપ્યો હોય તેમ પ્રવર્તે તો
તેને નવીનમાર્ગ કેમ કહેવાય? ... કુળસંબંધી વિવાહાદિક કાર્યોમાં તો કુળક્રમનો વિચાર
કરવો, પણ ધર્મસંબંધી કાર્યોમાં તો કુળનો વિચાર ન કરવો, પરંતુ જેમ સત્યધર્મમાર્ગ છે
તેમ પ્રવર્તવું યોગ્ય છે. (મોક્ષમાર્ગ પ્રકાશક પૃ: ૨૧૯–૨૨૦)