Atmadharma magazine - Ank 309
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 42

background image
: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૩ :
કરે. મુખ્યપણે મુનિને સંબોધન કર્યું છે પરંતુ મુનિની જેમ શ્રાવકને પણ આ
ઉપદેશ લાગુ પડે છે. હે જીવ! સમ્યગ્દર્શનની નિર્મળતા પ્રગટ કરી, સંસારને અસાર
જાણી, અંતર્મુખ થઈને સારભૂત એવા ચૈતન્યની ભાવના ભાવ. વૈરાગ્યના પ્રસંગે
જાગેલી ભાવનાઓને યાદ કરીને એવી ભાવશુદ્ધી કર કે જેથી તારા રત્નત્રયની
પરમ શુદ્ધતા થઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. સાર શું અને અસાર શું એને
ઓળખીને તું સારભૂત આત્માની ભાવના કર.
દીક્ષા લેતી વખતના ઉગ્ર વૈરાગ્યપ્રસંગને યાદ કરાવીને આચાર્ય દેવ કહે છે
કે અહા! દીક્ષા વખતે જગતથી પરમ નિસ્પૃહ થઈને શાંત ચૈતન્યદરિયામાં લીન
થઈ જવાની જે ભાવના હતી, જાણે કે તે ચૈતન્યના આનંદમાંથી કદી બહાર જ ન
આવું–એવો જે વૈરાગ્યનો રંગ હતો, તે વિરકતદશાની ધારા તું ટકાવી રાખજે. જે
સંસારને છોડતાં પાછું વાળીને જોયું નહિ, વૈરાગ્યબળે ક્ષણમાત્રમાં સંસારને છોડી
દીધો, તો હવે આહારાદિમાં ક્્યાંય રાગ કરીશ નહી, પ્રતિકૂળતાના ગંજમાંય તારી
વૈરાગ્યભાવનામાં વિધ્ન કરીશ નહિ. આ પ્રમાણે જેણે આત્માને સાધવો છે તેણે
આખા સંસારને અસાર જાણી પરમ વૈરાગ્યભાવનાથી સારભૂત ચૈતન્યરત્નની
ભાવનાવડે સમ્યગ્દર્શનાદિની શુદ્ધતા પ્રગટ કરવી. ભાઈ! પરભાવોથી પાછો વળીને
તું તારા ચૈતન્યમાં વળ... એમાં પરમ શાંતિ છે; પ્રતિકૂળતાનો કે પરભાવનો તેમાં
પ્રવેશ નથી. તારા અસંખ્યપ્રદેશે વૈરાગ્યની સીતારને ઝણઝણાવીને તું આત્માની
આરાધનામાં દ્રઢ રહેજે. કોઈ મહાન પ્રતિકૂળતા, અપજશ વગેરે ઉપદ્રવ પ્રસંગે
જાગેલી ઉગ્ર વૈરાગ્યભાવનાને અનુકૂળતા વખતે પણ જાળવી રાખજે. અનુકૂળતામાં
વૈરાગ્યને ભૂલી જઈશ નહિ; તેમજ પ્રતિકૂળતાના ગંજથી ડરીને પણ તારી
વૈરાગ્યધારાને તોડીશ નહીં. અશુદ્ધભાવોને સેવીને અનંતકાળ સંસારભ્રમણ કર્યું,
માટે હવે તો તે ભાવ છોડ... ને આત્મશુદ્ધિ પ્રગટ કર.
ધર્માત્મા પ્રતિકૂળતાથી ઘેરાઈ જતા નથી, પરિણામ બગડવા દેતા નથી, પણ તેવા
પ્રસંગે ઉજવળભાવથી વૈરાગ્યની ધારા ઉપાડે છે. પ્રતિકૂળતા વખતે આર્ત્તધ્યાન ન કરે
પણ પુરુષાર્થની પ્રબળતાથી વૈરાગ્ય વધારીને સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રની ઉગ્ર
આરાધનાવડે અલ્પકાળમાં કેવળજ્ઞાન લ્યે છે. આ રીતે હરેક પ્રસંગે વૈરાગ્યને પુષ્ટ કરી
આરાધનાનું જોર વધારીને રત્નત્રયની શુદ્ધતારૂપ ભાવશુદ્ધિનો ઉપદેશ છે.