: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૭ :
આપણા એક કોલેજિયન સભ્યનો પત્ર
મુંબઈ–ચેમ્બુરમાં આપણા ઉત્સાહી સભ્ય શૈલાબેન ચંદ્રકાંત જૈનનો એક
પત્ર અહીં રજુ થાય છે–જેમાં કોલેજશિક્ષણ કરતાં ધાર્મિકશિક્ષણની મહત્તા તેમણે
પ્રગટ કરી છે, તેમજ ખાસ પ્રસંગે બાલવિભાગના બંધુઓને યાદ કરીને હાર્દિક
વાત્સલ્ય વ્યક્ત કર્યું છે. વિશેષ તો તેમનો પત્ર જ બોલશે. તેઓ લખે છે:
“જીવનના ઘડતરમાં કેટલાક પ્રસંગો કેવી રીતે મદદરૂપ થાય છે એ હું એક દાખલા
પરથી જણાવું છું. હમણાં અમારું ઈન્ટર આર્ટસનું પરિણામ આવ્યું. હજી સાંજના
તો પાસ થઈશ કે નાપાસ–એના વિચાર આવ્યા. ત્યાં રાત્રે મારી એક સખીએ
આવી મને સમાચાર આપ્યા કે હું ફર્સ્ટ કલાસમાં પાસ થઈ છું; તેમજ ફર્સ્ટ
કલાસમાં બહુ જ ઓછા (કુલ ૧૭ જ) નંબર છે. –પણ સદ્ભાગ્યે, હું એ વખતે
ટાઈફોઈડ થયો હોવાથી ૧૦૪ ડીગ્રી તાવમાં સેકાતી હતી, એટલે મને એવી
સફળતા માટે અભિમાન કરવાનું કારણ ન થયું. પછી થોડા દિવસ બાદ તાવ
ઓછો થતાં સમય વીતાવવા માટે મેં પુસ્તકો માંગ્યા, તો મને મમ્મીએ ભગવાન
ઋષભદેવ, વીતરાગવિજ્ઞાન, બે સખી મહારાણી ચેલણા, સુકુમાલચારિત્ર,
રત્નસંગ્રહ, દર્શનકથા વગેરે પુસ્તકો વાંચવા આપ્યા. અંગ્રેજી માધ્યમમાં ભણ્યા
હોવાને કારણે હું ઝડપથી ગુજરાતી વાંચી શકતી નથી એટલે ધીમે ધીમે એ
પુસ્તકો વાંચ્યા. એ વાંચતા મને ખૂબ જ આનંદ થયો; અને એમ થયું કે જીવનની
સફળતા જો હો તો ધર્મમાં હોજો. અને એ સત્ય ધર્મ પૂ. ગુરુદેવ સિવાય અન્ય
કોઈ સ્થાને પ્રાપ્ત થઈ શકે એમ નથી એવી પણ ખાત્રી થઈ ને ઉમળકો જાગ્યો કે
ત્યાં જઈને પ્રેમપૂર્વક ગુરુદેવની પવિત્ર વાણી સાંભળી આ જ જીવનમાં ધર્મ
પામું.”
વિશેષમાં શૈલાબેન લખે છે કે ‘હું આ રીતે પાસ થઈ તેની ખુશાલીમાં મને
રૂા. ૨૫/– ભેટ મળ્યા છે–જે હું આત્મધર્મના બાલવિભાગના મારા સાધર્મીઓને
ઈનામ આપવા માટે મોકલું છું, –તે સ્વીકારશો. સર્વે બાલસભ્યોની ધર્મવૃદ્ધિ
ઈચ્છતી બેન શૈલાના જયજિનેન્દ્ર! ’
(બેન! તમારી ભાવના અને બાલસભ્યો પ્રત્યેની લાગણી માટે ધન્યવાદ!)
* * *