Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 48

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
ન હોય તેને શ્રુતજ્ઞાનનું અવલંબન પ્રગટશે નહિ; અને શ્રુતજ્ઞાનના અવલંબન વગર
આત્માનો નિર્ણય થાય નહિ. એટલે જે વિષયોમાં સુખ માને કે કુદેવાદિને માને તેને
આત્મનિર્ણય હોય જ નહિ.
યથાર્થ ધર્મ કેમ થાય તે માટે જિજ્ઞાસુ જીવ પ્રથમ પૂર્ણ જ્ઞાની એવા ભગવાન,
સાધક સંત ગુરુ, અને તેમનાં કહેલાં શાસ્ત્રોના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો
નિર્ણય કરવાનો ઉદ્યમી થાય. ને પછી જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને અંતર્મુખ થઈ
સાક્ષાત્ અનુભવ કરે; –આ ધર્મની કળા છે. ધર્મની કળા જ જગત સમજ્યું નથી. જો
ધર્મની એક કળા પણ શીખે તો તેનો મોક્ષ થયા વગર રહે નહિ.
જિજ્ઞાસુ જીવ પહેલાં સુદેવાદિનો અને કુદેવાદિનો નિર્ણય કરીને કુદેવાદિને છોડે
છે, અને સત્દેવ ગુરુની એવી લગની છે કે સત્પુરુષો કેવો આત્મા કહે છે તે સમજવાનું
જ લક્ષ છે, એટલે તીવ્ર અશુભથી તો હઠી જ ગયો છે. જો સાંસારિક રુચિથી પાછો નહિ
હઠે તો વીતરાગી શ્રુતના અવલંબનમાં ટકી શકશે નહિ.
• ધર્મ ક્યાં છે અને કેમ થાય? •
ઘણા જિજ્ઞાસુઓને પ્રશ્ન ઊઠે છે કે ધર્મ માટે પ્રથમ શું કરવું? તેના જવાબમાં
જ્ઞાની કહે છે કે તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર. બહારમાં ક્યાંય આત્માનો ધર્મ નથી.
ધર્મ તો પોતાનો સ્વભાવ છે. ધર્મ પરાધીન નથી. કોઈના અવલંબને ધર્મ થતો નથી,
ધર્મ કોઈનો આપ્યો અપાતો નથી, પણ પોતાની ઓળખાણથી જ ધર્મ થાય છે. જેને
પોતાનો પૂર્ણાનંદ જોઈએ છે તેણે પૂર્ણ આનંદનું સ્વરૂપ શું છે, તે નક્કી કરવું જોઈએ. જે
આનંદ હું ઈચ્છું છું તે પૂર્ણ અબાધિત ઈચ્છું છું, એટલે કોઈ આત્માઓ તેવી પૂર્ણાનંદદશા
પામ્યા છે અને તેઓને પૂર્ણાનંદદશામાં જ્ઞાન પણ પૂર્ણ જ છે; આ રીતે જેમને પૂર્ણાનંદ
પ્રગટયો છે એવા સર્વજ્ઞ ભગવાન છે તેમનો, અને તેઓ શું કહે છે તેનો જિજ્ઞાસુએ
નિર્ણય કરવો જોઈએ. તેથી જ કહ્યું છે કે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનવડે જ્ઞાનસ્વભાવી
આત્માનો નિર્ણય કરવો. આમાં ઉપાદાન–નિમિત્તની સંધિ રહેલી છે. જ્ઞાની કોણ છે, સત્
વાત કોણ કહે છે,–એ બધું નક્કી કરવા માટે નિવૃત્તિ લેવી જોઈએ. જીવને જો સ્ત્રી–
કુટુંબ–લક્ષ્મીનો પ્રેમ અને સંસારની રુચિમાં ઓછપ નહિ થાય તો તે સત્સમાગમ માટે
નિવૃત્તિ લઈ શકશે નહિ. શ્રુતનું અવલંબન લેવાનું કહ્યું ત્યાં જ અશુભભાવનો તો ત્યાગ
આવી ગયો. અને સાચા નિમિત્તોની ઓળખાણ કરવાનું પણ આવી ગયું.