અવલંબન’ કહ્યું છે તે અવલંબન તો સ્વભાવના લક્ષે છે, પાછા ન ફરવાના પક્ષે છે.
સમયસારજીમાં અપ્રતિહત શૈલીથી જ કથન છે. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવા
માટે જેણે શ્રુતનું અવલંબન ઉપાડયું તે આત્મસ્વભાવનો નિર્ણય અને અનુભવ કરે જ
કરે, પાછો ન ફરે, એવી વાત જ સમયસારમાં લીધી છે.
શાહુકારના ચોપડે દિવાળાંની વાત જ ન હોય, તેમ અહીં દીર્ઘસંસારીની વાત જ નથી.
અહીં તો અલ્પકાળે મોક્ષ જનાર જીવોની જ વાત છે. બધી વાતની હા જી હા ભણે અને
એકેય વાતનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરે નહિ એવા ‘ધજાની પૂંછડી જેવા’ જીવોની
વાત નથી લીધી. ટંકણખાર જેવી વાત છે. જે અનંતકાળના સંસારનો અંત લાવવા માટે
પૂર્ણ સ્વભાવના લક્ષે શરૂઆત કરવા નીકળ્યો છે એવા જીવની શરૂઆત પાછી નહિ ફરે.
–એવાની જ અહીં વાત છે. આ તો અપ્રતિહત માર્ગ છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ
વાસ્તવિક શરૂઆત છે. પૂર્ણતાના લક્ષે ઊપડેલી શરૂઆત પાછી ન ફરે......પૂર્ણતાના લક્ષે
પૂર્ણતા થાય જ.
રુચિવાળી વસ્તુને વારંવાર જુએ છે; તેમ જે ભવ્યજીવોને આત્માની રુચિ થઈ અને
આત્માનું હિત કરવા માટે નીકળ્યા તે વારંવાર રુચિપૂર્વક દરેક વખતે–ખાતાં, પીતાં,
ચાલતાં, સૂતાં, બેસતાં, વિચારતાં, નિરંતર શ્રુતનું જ અવલંબન, સ્વભાવના લક્ષે કરે છે,
તેમાં કોઈ કાળ કે ક્ષેત્રની મર્યાદા કરતા નથી. શ્રુતજ્ઞાનની રુચિ અને જિજ્ઞાસા એવી
જામી છે કે ક્યારેય પણ તે ખસતી નથી. અમુક કાળ અવલંબન કરવું ને પછી મૂકી દેવું
એમ નથી કહ્યું. પરંતુ શ્રુતજ્ઞાનના અવલંબન વડે આત્માનો નિર્ણય કરવાનું કહ્યું છે.
જેને સાચા તત્ત્વની રુચિ થઈ છે તે બીજા સર્વ કામોની પ્રીતિને ગૌણ જ કરે છે, ને તેની
પરિણતિને આત્મા તરફ વાળે છે.