જાય અને બધામાં એક આત્મા જ આગળ હોય; એટલે નિરંતર આત્માની જ ધગશ
અને ઝંખના હોય. માત્ર ‘શ્રુતજ્ઞાન સાંભળ્યા જ કરવું’ એમ કહ્યું નથી. પરંતુ શ્રુતજ્ઞાન
દ્વારા આત્માનો નિર્ણય કરવો; શ્રુતના અવલંબનની ઘૂન ચડતાં, દેવ, ગુરુ, શાસ્ત્ર, ધર્મ,
નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, પર્યાય વગેરે બધાં પડખાં જાણીને એક જ્ઞાનસ્વભાવી આત્માનો
નિશ્ચય કરવો જોઈએ. આમાં ભગવાન કેવા, તેનાં શાસ્ત્રો કેવાં, અને તેઓ શું કહે છે,
એ બધાનું અવલંબન એમ નિર્ણય કરાવે છે કે તું જ્ઞાન છો; આત્મા જ્ઞાનસ્વરૂપી જ છે,
જ્ઞાન સિવાય બીજું કાંઈ તું કરી શકતો નથી.
આત્મા છો, તારો સ્વભાવ જાણવાનો જ છે, કાંઈ પરનું કરવું કે પુણ્ય–પાપના ભાવ
કરવા તે તારું સ્વરૂપ નથી, –આમ જે બતાવતા હોય તે સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર છે, અને
આ પ્રમાણે જે સમજે તે જ દેવ–ગુરુ–શાસ્ત્રના કહેલા શ્રુતજ્ઞાનને સમજ્યો છે. પણ જે
રાગથી ધર્મ મનાવતા હોય, શરીરની ક્રિયા આત્મા કરે એમ મનાવતા હોય, જડ કર્મ
આત્માને હેરાન કરે એમ કહેતા હોય, તે કોઈ દેવ–ગુરુ–શાસ્ત્ર સાચાં નથી, કેમકે તેઓ
સાચા વસ્તુસ્વરૂપના જાણકાર નથી અને સત્યથી ઊલટું સ્વરૂપ બતાવે છે.
જ્ઞાનસ્વભાવનો અનુભવ થયો નથી ત્યાર પહેલાંની આ વાત છે. જેણે સ્વભાવના લક્ષે
શ્રુતનું અવલંબન લીધું છે તે અલ્પકાળમાં આત્મઅનુભવ કરશે જ. પ્રથમ વિચારમાં
એમ નક્કી કર્યું કે પરથી તો હું જુદો, પુણ્ય–પાપ પણ મારું સ્વરૂપ નહિ, મારા શુદ્ધ
સ્વભાવ સિવાય દેવ–ગુરુ–શાસ્ત્રનું પણ અવલંબન પરમાર્થે નહિ, હું તો સ્વાધીન
જ્ઞાનસ્વભાવી છું;–આમ જેણે નિર્ણય કર્યો તેને જ્ઞાનસ્વભાવી આત્માનો અનુભવ થયા
વગર રહેશે જ નહિ. અહીં શરૂઆત જ એવી જોરદાર ઉપાડી છે કે પાછા પડવાની વાત
જ નથી.