Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 48

background image
: ૨૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
છે, તે વ્રતાદિના વિકલ્પો ન હોવા છતાં જ્ઞાનપરિણામ વડે જ્ઞાનીઓ મોક્ષને સાધે છે,
અને અજ્ઞાનીને તે વ્રતાદિના શુભ પરિણામો હોવા છતાં તે મોક્ષ પામતો નથી. માટે
જ્ઞાન જ મોક્ષનું કારણ છે. અને જ્ઞાનરૂપે પરિણમવું તે જ આગમનું ફરમાન છે.
આ રીતે, પુણ્ય તે મોક્ષનું કારણ નથી પણ બંધનું જ કારણ છે–એમ આચાર્યદેવે
સમજાવ્યું; છતાં હજી પણ જે જીવ અજ્ઞાનથી પુણ્યકર્મનો પક્ષપાત કરે, –તેને શું દોષ
આવે છે? તે ફરીને પણ સમજાવે છે–
પરમાર્થબાહ્ય જીવો અરે! જાણે ન હેતુ મોક્ષનો,
અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો. (૧પ૪)
જેઓ પરમાર્થથી બાહ્ય છે એટલે કે ચિદાનંદમૂર્તિ આત્માના અનુભવથી રહિત છે
તેઓ મોક્ષના હેતુને જાણતા નથી, અને અજ્ઞાનથી પુણ્યને જ મોક્ષનું કારણ માનીને તેને
ઈચ્છે છે. જો કે પુણ્ય પણ સંસારગમનનો હેતુ છે તોપણ અજ્ઞાની તેને મોક્ષનો હેતુ માને
છે; તે એમ માને છે કે હું મોક્ષના ઉપાયને સેવું છું પણ ખરેખર રાગની રુચિથી તે
સંસારમાર્ગ જ સેવી રહ્યો છે. મોક્ષ કોને કહેવો ને તેનો માર્ગ શું–તેની તેને ખબર પણ નથી.
મોક્ષ એટલે શું? કે સમસ્ત કર્મપક્ષનો નાશ કરવાથી જે શુદ્ધાત્માનો લાભ થાય–
નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય–તે મોક્ષ છે. પુણ્ય કર્મના પણ નાશથી મોક્ષ થાય છે; પુણ્ય તે
પણ કર્મના પક્ષમાં છે, તે કાંઈ આત્માના સ્વભાવની ચીજ નથી.
આવા મોક્ષના કારણરૂપ સામાયિક છે. તે સામાયિક કેવી છે? કે સમ્યગ્દર્શન
જ્ઞાન–ચારિત્ર–સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનનું અનુભવન તે સામાયિક છે; શરીર
બેઘડી સ્થિર રહે કે અમુક પાઠ ભણી જાય તેને કાંઈ સામાયિક નથી કહેતા. અહો,
સામાયિકમાં તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમાઈ જાય છે, એકલા જ્ઞાનના
અનુભવનરૂપ આવી સામાયિક તે મોક્ષનું કારણ છે. તે સામાયિક ચિદાનંદસ્વભાવમાં જ
એકાગ્રતા છે, અને તે સમયસારસ્વરૂપ છે એટલે શુદ્ધાત્માના અનુભવસ્વરૂપ છે. આવી
સામાયિક પુણ્ય–પાપના દુરંત કર્મચક્રથી પાર છે. માત્ર પાપપરિણામથી નિવર્તે ને અત્યંત
સ્થૂળ એવા પુણ્યકર્મોમાં વર્ત્યા કરે ને તેના જ અનુભવથી સંતુષ્ટ થઈને મોક્ષનું કારણ
માની લ્યે તો તે જીવ નામર્દ છે, રાગથી પાર થવાનો પુરુષાર્થ તેનામાં નથી; કર્મના
અનુભવથી ખસીને જ્ઞાનના અનુભવમાં તે આવતો નથી. હિંસા વગેરે સ્થૂળ