: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ :
વિવિધ સમાચાર ટાઈટલ પૃ. (૨) થી ચાલુ
ભેટપુસ્તક:– વીતરાગવિજ્ઞાન બીજો ભાગ: છહઢાળા–પ્રવચનોનું આ બીજું
પુસ્તક આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવાનું છે. આ અંકમાં ભેટ માટેનું કુપન છે. આ
કુપનના બદલામાં ભેટપુસ્તક તા. ૧–૯–૬૯ પછી આપ સોનગઢથી મેળવી શકશો.
ભાદરવા માસમાં ઘણા જિજ્ઞાસુઓ સોનગઢ આવશે તો આપ આપનું કુપન મોકલીને
તેમની સાથે પુસ્તક મંગાવી લેશોજી. આફ્રિકાવાળા ભાઈશ્રી લક્ષ્મીચંદ કેશવજી તરફથી
આ પુસ્તક ભેટ આપવામાં આવ્યું છે. વેચાણ માટે ઘટાડેલી કિંમત પચાસ પૈસા છે.
આત્મધર્મ:– જિજ્ઞાસુ બંધુઓ નવા વર્ષનું લવાજમ રૂા. ચાર, બને ત્યાં સુધી
ભાદ્ર માસમાં, અથવા છેવટ દીવાળી સુધીમાં મોકલી આપે એવી વિનતિ છે. આપ સૌના
ઉત્તમ લાગણીભર્યા સહકારને કારણે વી. પી. વગર જ સૌનાં લવાજમ આવી જાય છે;
ગત વર્ષે ભાદરવા માસમાં ૨૩૦૦ જેટલા અંકો છપાતા તે વધીને આ વર્ષે ૨૭૦૦ અંકો
છપાય છે. –તે પણ આપ સૌની લાગણીને લીધે જ છે.
જૈનબાળપોથી–હિંદી તેમજ ગુજરાતી નવી આવૃત્તિ છપાઈ ગઈ છે. હવે પછીની
આવૃત્તિ વખતે આપણી આ જૈન બાળપોથી એકલાખ પ્રત પૂરી કરશે–કે જે જૈનસમાજને
માટે એક ગૌરવ હશે.
સ્થળસંકોચને કારણે:– આ અંકમાં ભેદજ્ઞાન–પુષ્પમાળા, ચારિત્રદશાનો એક
સુંદર લેખ, આલિંગગ્રહણના તાજા પ્રવચનોનું દોહન, ચંદનાસતીની કથા, વાંચકો સાથે
વાતચીત અને બીજા કેટલાક મહત્વના લેખો તૈયાર હોવા છતાં પાનાંની ખેંચને કારણે
આપી શકાયા નથી. મહિનાના ૬૦ પ્રવચનોમાંથી, દરેક પ્રવચનનું માત્ર એકેક પાનું
આપીએ તોપણ ૬૦ પાનાં થાય, અને તે ઉપરાંત પરચૂરણ ચર્ચાઓ સમાચારો વગેરેના
૨૦ પાનાં, એમ ઓછામાં ઓછા ૮૦ પાનાં દરેક અંકમાં હોય ત્યારે સંતોષકારક
લેખોનો સમાવેશ થઈ શકે. દરેક અંકે કેટલાક તૈયાર લેખો પણ છોડી દેવા પડે છે. આથી
ઘણાય જિજ્ઞાસુઓ આત્મધર્મનાં પાનાં વધારવા અને એ રીતે જ્ઞાનપ્રચાર વધારવા જે
માંગણી કરે છે તે યોગ્ય છે; ને એમ થાય એવું આપણે ઈચ્છીએ.
વાત્સલ્ય અને ધર્મરક્ષા– દરવર્ષે શ્રાવણ સુદ પૂનમ આવે છે ને આપણને
વાત્સલ્યનો તથા ધર્મરક્ષાનો સન્દેશ આપી જાય છે. પોતાનો ધર્મપ્રેમ સાધર્મી પ્રત્યેના
વાત્સલ્ય વડે વ્યક્ત થાય છે. એક મોટો રાજા આંગણે આવે એના કરતાં એક સાધર્મી
આંગણે પધારે તેમાં ધર્મીને વિશેષ આનંદ થાય છે. અકંપનસ્વામીએ આપણને ધૈર્ય અને
સહનશીલતાનો બોધ આપ્યો ને વિષ્ણુકુમારે વાત્સલ્ય બતાવ્યું.......તો હસ્તિનાપુરના
હજારો શ્રાવકોએ સંઘ પ્રત્યેની પરમ ભક્તિ વડે ધર્મરક્ષાનું આ પર્વ પ્રસિદ્ધ કર્યું–જે આજે
લાખો વર્ષો પછી પણ ભારતમાં ઉજવાઈ રહ્યું છે. આપણે એ ધૈર્ય, વાત્સલ્ય અને
ભક્તિના સન્દેશને ઝીલીને આ પર્વને ધર્મરક્ષાનું અને આત્મસાધનનું નિમિત્ત
બનાવીએ.