Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page  


PDF/HTML Page 48 of 48

background image
શુભરાગથી સ્વર્ગ તો મળે છે–છતાં તેમાં દુઃખ?

જીવ અજ્ઞાનથી જેમ પોતાને દેહરૂપ માને છે તેમ રાગાદિ ભાવો પ્રગટપણે
દુઃખદાયક હોવા છતાં અજ્ઞાનથી જીવ તેને સુખરૂપ માનીને સેવે છે; આસ્રવો જીવના
સ્વભાવથી ભિન્ન હોવા છતાં તેને પોતાનું સ્વરૂપ માનીને સેવે છે. શુભરાગથી મને કાંઈ
લાભ થશે, –તે મોક્ષનું કારણ થશે–એમ જે માને છે તેણે આસ્રવતત્ત્વને આસ્રવરૂપ ન
જાણતાં સંવર–નિર્જરારૂપ માન્યું; આસ્રવો દુઃખરૂપ હોવા છતાં તેને હિતરૂપ માન્યા; તે
અધર્મ હોવા છતાં તેને ધર્મનું સાધન માન્યું; તે બંધભાવ હોવા છતાં તેને મોક્ષનું સાધન
માન્યું; તે વિપદા હોવા છતાં તેનાથી આત્મસંપદા પ્રાપ્ત થશે–એમ માન્યું આ રીતે
અજ્ઞાનીને તત્ત્વમાં ભૂલ છે. દુઃખ દેનારા ભાવને સુખ દેનારા માનીને જે સેવે તે દુઃખથી
ક્યારે છૂટે? અશુભરાગ ને શુભરાગ બંનેમાં દુઃખ છે.
પ્રશ્ન:– શુભથી સ્વર્ગ તો મળે છે?
ઉત્તર:– અરે ભાઈ, સ્વર્ગ મળે તેમાં આત્માને શું? એ સ્વર્ગની સામગ્રીમાં જેને
શુભ ભાસે છે ને એ સામગ્રી વિનાનું અતીન્દ્રિય આત્મસુખ જેને નથી ભાસતું તે
મિથ્યાદ્રષ્ટિ છે. પ્રવચનસારમાં કુંદકુંદસ્વામી કહે છે કે પુણ્યના ફળથી તૃષ્ણા વડે દુઃખી
જીવો, મૃગતૃષ્ણામાંથી જળની માફક વિષયોમાંથી સુખને ઈચ્છે છે.....પુણ્યશાળીઓ પણ
પાપશાળીઓની માફક, વિષયોને ઈચ્છતા થકા કલેશ પામે છે. પુણ્ય પણ પાપની જેમ
દુઃખનું સાધન છે. શુભ ને અશુભ (પુણ્ય ને પાપ) બંને આત્મસ્વભાવ છે, બંને
શુદ્ધોપયોગથી વિપરીત છે. આ રીતે પુણ્ય અને પાપ બંનેમાં સમાનપણું જે નથી માનતો,
ને પુણ્યફળમાં સુખ માનીને તેનો મોહ કરે છે તે જીવ મિથ્યાદ્રષ્ટિપણે સંસારમાં જ
રખડતો થતો દુઃખને જ અનુભવે છે.
શાંત–આનંદસ્વરૂપ આત્મા, તેનાથી વિરુદ્ધ પુણ્યપાપના ભાવો આકુળતારૂપ છે,
શુભરાગને ચેનરૂપ–હિતરૂપ માનીને સેવે છે તેમાં વીતરાગી આત્માનો અનાદર થાય છે.
અમૃતસ્વરૂપ આત્માના વેદનમાં પરમ શાંતિ છે, રાગના વેદનમાં જરાય શાંતિ નથી,
તેમાં તો આકુળતા જ છે, પ્રગટપણે તે દુઃખ દેનાર છે; પણ અજ્ઞાનીને તેમાં મજા લાગે
છે, કેમકે આત્માની સાચી શાંતિ તો તેણે જોઈ નથી.
રમતગમતમાં આનંદ માને છે પણ એ તો આકુળતા છે, તને ભ્રમથી તેમાં સુખ
લાગે છે. અશુભમાં તો દુઃખ છે ને શુભમાંય દુઃખ છે, શુભ–અશુભ બંનેથી પાર
ચૈતન્યસ્વભાવ તે જ સુખ છે ને તે જ મોક્ષમાર્ગ છે. (વીતરાગવિજ્ઞાન ભાગ–ર)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબરજૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન. અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : પ્રત ૨૭૦૦