જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા વધતી જાય તેમ તેમ શુભાશુભભાવ પણ ટળતા જાય છે.
બહારના લક્ષ જે વેદન થાય તે બધું દુઃખરૂપ છે, અંદરમાં શાંતરસની મૂર્તિ આત્મા છે
તેના લક્ષે જે વેદન થાય તે જ સુખ છે. સમ્યગ્દર્શન તે આત્માનો ગુણ છે, ગુણ તે
ગુણીથી જુદો ન હોય. એક અખંડ પ્રતિભાસમય આત્માનો અનુભવ તે જ સમ્યગ્દર્શન
છે, ને તે આત્મા જ છે.
જ્ઞાનસ્વરૂપ આત્માનો નિશ્ચય કરવો. વાસ્તવિક તત્ત્વની શ્રદ્ધા વગર અંદરના વેદનની
રમઝટ નહિ જામે. પ્રથમ અંતરથી સતનો હકાર આપ્યા વગર સત્સ્વરૂપનું જ્ઞાન થાય
નહિ અને સત્સ્વરૂપના જ્ઞાન વગર ભવબંધનની બેડી તૂટે નહિ. ભવબંધનના અંત
વગરનાં જીવન શા કામના? ભવના અંતની શ્રદ્ધા વગર કદાચ પુણ્ય કરે તો તેનું ફળ
રાજપદ કે દેવપદ મળે, પરંતુ તેમાં આત્માને શું? આત્માના ભાન વગરના તો એ પુણ્ય
અને એ દેવપદ બધાંય ધૂળધાણી જ છે, તેમાં આત્માની શાંતિનો અંશ પણ નથી. માટે
પહેલાં શ્રુતજ્ઞાનવડે જ્ઞાનસ્વભાવનો દ્રઢ નિશ્ચય કરતાં પ્રતીતમાં ભવની શંકા રહેતી
નથી, અને જેટલી જ્ઞાનની દ્રઢતા થાય તેટલી શાંતિ વધતી જાય છે.
તારી પ્રભુતાનો લાભ નથી. તેં પરનાં ગાણાં ગાયા પણ પોતાના ગાણાં ગાયા નહિ,
અર્થાત્ પોતાના સ્વભાવની મહત્તા જાણી નહિ તો તને શો લાભ? ભગવાનની પ્રતિમા
સામે કહે કે ‘હે નાથ, હે ભગવાન! આપ અનંતજ્ઞાનના ધણી છો’ ત્યાં સામો પણ એવો
જ પડઘો પડે કે ‘હે નાથ, હે ભગવાન! આપ અનંતજ્ઞાનના ધણી છો......’ એટલે કે
જેવું પરમાત્માનું સ્વરૂપ છે એવું જ તારું સ્વરૂપ છે, તેને તું ઓળખ; તો તને તારી
પ્રભુતાનો લાભ થાય.
એક આત્મા જ છે, તેને જ જુદા જુદા નામથી કહેવાય છે. કેવળીપદ, સિદ્ધપદ કે સાધુપદ,
એ બધા એક આત્મામાં જ સમાય છે. આરાધના, મોક્ષમાર્ગ એ વગેરે પણ
શુદ્ધઆત્મામાં જ સમાય છે. આવા આત્મસ્વરૂપની અનુભૂતિ એ જ સમ્યગ્દર્શન છે અને
સમ્યગ્દર્શન જ આત્માના સર્વ ધર્મનું મૂળ છે.