Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 48

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
કામ છે, તે કાંઈ વિકલ્પનું કામ નથી. વિકલ્પમાં આનંદ નથી, તેમાં તો આકુળતા
ને દુઃખ છે; ભાવશ્રુતમાં આનંદ અને નિરાકુળતા છે.
• બીજા વિકલ્પો કરતાં તો શુદ્ધઆત્માનો વિકલ્પ સારો છે ને?
ધર્મને માટે તો એક્કેય વિકલ્પ સારો નથી, વિકલ્પની જાત જ આત્માના
સ્વભાવથી જુદી છે, પછી તેને સારો કોણ કહે? જેમ બીજા વિકલ્પમાં એકતાબુદ્ધિ
તે મિથ્યાત્વ છે, તેમ શુદ્ધાત્માના વિકલ્પમાં એકતાબુદ્ધિ તે પણ મિથ્યાત્વ છે.
બધા વિકલ્પોથી પાર જ્ઞાનસ્વભાવને દેખવો–જાણવો–અનુભવવો તે સમ્યગ્દર્શન
સમ્યગ્જ્ઞાન છે. તે જ સમયનો સાર છે; વિકલ્પો તો બધા અસાર છે. ભલે શુદ્ધનો
વિકલ્પ હો–પણ તેને કાંઈ સમ્યગ્દર્શન કે સમ્યગ્જ્ઞાન કહી શકાતું નથી; તે વિકલ્પ
વડે ભગવાનનો ભેટો થતો નથી. વિકલ્પ તે કાંઈ ચૈતન્યદરબારમાં પેસવાનો
દરવાજો નથી. જ્ઞાનબળે ‘જ્ઞાનસ્વભાવનો નિર્ણય’ તે જ ચૈતન્યદરબારમાં
પેસવાનો દરવાજો છે.
• જ્ઞાનની પ્રાપ્તિ ક્યાંથી થાય છે?
જ્ઞાનની પ્રાપ્તિ સર્વજ્ઞસ્વભાવી આત્મામાંથી થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ વિકલ્પમાંથી
નથી થતી. અંદર શક્તિમાં જે પડયું છે તે જ આવે છે, બહારથી નથી આવતું.
અંદરની નિર્મળ જ્ઞાનશક્તિમાં અભેદ થતાં પર્યાય સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનરૂપે
પરિણમી જાય છે.
• સમ્યગ્દર્શન માટેની પહેલી શરત શું છે?
પહેલી શરત એ છે કે ‘હું જ્ઞાનસ્વભાવ છું’ એમ શ્રુતજ્ઞાનના અવલંબનથી
નિશ્ચય કરવો. સર્વજ્ઞભગવાને સમવસરણમાં દિવ્યધ્વનિવડે જે ભાવશ્રુત ઉપદેશ્યું
તે અનુસાર શ્રીગુરુ પાસેથી શ્રવણ કરીને અંદર ભાવશ્રુત વડે જ્ઞાનસ્વભાવનો
નિર્ણય કરવો. ભગવાને શ્રુતમાં એમ જ કહ્યું છે કે જ્ઞાનસ્વભાવ તે શુદ્ધઆત્મા
છે. એવો નિર્ણય કરીને ગૌતમાદિ જીવો ભાવશ્રુતરૂપે પરિણમ્યા, તેથી ‘ભગવાને
ભાવશ્રુતનો ઉપદેશ આપ્યો’ એમ કહ્યું. ભગવાનને તો કેવળજ્ઞાન છે, પરંતુ
શ્રોતાઓ ભાવશ્રુતવાળા છે–તેથી ભગવાને ભાવશ્રુતનો ઉપદેશ દીધો એમ
કહેવાય છે. સર્વજ્ઞભગવાને ઉપદેશેલા શ્રુતમાં એવો નિર્ણય કરાવ્યો છે કે
‘આત્મા જ્ઞાનસ્વભાવ છે.’ આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન
માટેની પહેલી શરત છે.