Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 48

background image
: ૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
• આત્માનો નિર્ણય કર્યા પછી અનુભવ માટે શું કરવું?
આત્મા એટલે જ્ઞાનનો ઢગલો, જ્ઞાનપૂંજ; તે જ્ઞાનસ્વરૂપ આત્મા રાગવાળો
નથી. કર્મવાળો નથી, શરીરવાળો નથી; તે પરનું કરે એ તો વાત જ નથી. –
આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં ‘હવે મારે શું કરવું’ એ પ્રશ્ન રહેતો
નથી. પણ જે સ્વભાવનો નિર્ણય કર્યો તે સ્વભાવ તરફ તેનું જ્ઞાન વળે છે.
નિર્ણયની ભૂમિકામાં જોકે હજી વિકલ્પ છે. હજી ભગવાન આત્મા પ્રગટ પ્રસિદ્ધ
થયો નથી, અવ્યક્તપણે નિર્ણયમાં આવ્યો છે પણ સાક્ષાત્ અનુભવમાં નથી
આવ્યો; તેને અનુભવમાં લેવા માટે શું કરવું? કે નિર્ણય સાથે જે વિકલ્પ છે
તે વિકલ્પમાં ન અટકવું, પણ વિકલ્પથી ભિન્ન જ્ઞાનને અંતર્મુખ કરીને
આત્મસન્મુખ કરવું. વિકલ્પ તે કાંઈ સાધન નથી. વિકલ્પ દ્વારા પરની પ્રસિદ્ધિ
છે, તેમાં આત્માની પ્રસિદ્ધિ નથી. ઈંદ્રિયો કે વિકલ્પો તરફ અટકેલું જ્ઞાન પણ
આત્માને પ્રસિદ્ધ કરી શકતું નથી–અનુભવી શકતું નથી. પણ તે પર તરફનો
ઝુકાવ છોડીને જ્ઞાનને આત્મસન્મુખ કરવું તે જ આત્માની પ્રસિદ્ધિની રીત છે,
તે જ અનુભવનો ઉપાય છે.
‘આ હું જ્ઞાનસ્વભાવ આત્મા છું–એવું જ્ઞાન ઈન્દ્રિય કે મન તરફની
બુદ્ધિવડે થતું નથી, ઈંદ્રિય કે મન તરફની બુદ્ધિવડે તો પરનું જ્ઞાન થાય છે. બધા
વિકલ્પોથી પાર થઈને આત્મસ્વભાવ તરફ જ્ઞાનનો ઝૂકાવ (આત્મસન્મુખતા)
તે જ સમ્યક્પણે આત્માને દેખવાની અને અનુભવવાની રીત છે. તેમાં
સ્વસંવેદન–પ્રત્યક્ષપણે આત્માનાં શ્રદ્ધા–જ્ઞાન થાય છે.
• સમ્યગ્દર્શન થતાં આત્મા સમસ્ત વિશ્વ ઉપર તરે છે;–તરે છે એટલે શું?
તરે છે એટલે જુદો રહે છે; જેમ પાણીમાં તરતો માણસ પાણીમાં ડુબતો નથી
પણ ઉપર રહે છે. તેમ જ્ઞાનસ્વભાવરૂપે પોતાને અનુભવતો આત્મા, વિકલ્પોમાં
ડુબતો નથી, વિકલ્પોમાં એકાકાર થતો નથી, પણ તેના ઉપર તરે છે એટલે કે
તેનાથી ભિન્નપણે જ પોતાને અનુભવે છે. તેમાં આત્માની કોઈ અચિંત્ય પરમ
ગંભીરતા અનુભવાય છે.
• સમ્યક્ત્વના પ્રયત્નની શરૂઆત કેવી છે?
અપૂર્વ છે, પૂર્ણતાના લક્ષે તે શરૂઆત છે. ‘જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય’
એટલે પૂર્ણતાનું લક્ષ; આ અપૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક
શરૂઆત છે.