Atmadharma magazine - Ank 311
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 40

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
આ પુણ્ય–પાપના પરભાવો તે અમારો સ્વદેશ નથી. અમે તો પુણ્ય–પાપથી પાર
એવા સિદ્ધસ્વરૂપના પંથી છીએ, આ પરભાવરૂપી પરદેશના વાસી અમે નથી; પુણ્ય–
પાપ વગરનું સર્વજ્ઞસ્વભાવી જે નિજસ્વરૂપ તેને સાધીને અમે અમારા સ્વરૂપ–સ્વદેશમાં
જઈશું. અમારું સ્વ–રૂપ અમારો સ્વદેશ તો સર્વજ્ઞપદથી ભરપૂર છે, પરમ આનંદથી
પરિપૂર્ણ છે; તેને સાધીને તેમાં અમે ઠરશું.
‘તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ–સ્વદેશ જો....’ –એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ
પણ કહ્યું છે, તેમાં પોતાના આત્માની સાક્ષીથી ભવના અંતનો પડકાર કર્યો છે.
અબંધસ્વરૂપ એટલે મુક્તસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી આત્માનો જ્યાં અનુભવ થયો ત્યાં
મોક્ષની નિઃશંકતા થઈ ગઈ. પુણ્ય–પાપરૂપ બંધન વગરનો મુક્તસ્વભાવ અહીં જ
સમ્યગ્દર્શન થતાં અનુભવમાં આવી ગયો છે. જે જીવ બંધભાવને (–પછી ભલે તે પુણ્ય
હોય, –તેને) પોતાના સ્વરૂપ તરીકે અનુભવે છે તે પોતાના મુક્તસ્વરૂપને અનુભવતો
નથી એટલે મોક્ષનો માર્ગ તેને પ્રગટતો નથી.
શુદ્ધનયથી આત્માનો સ્વભાવ મુક્તસ્વરૂપ છે જ; ને તેના અનુભવથી પર્યાયમાં
મુક્તિ પ્રગટે છે. જે જીવ શુદ્ધસ્વરૂપનો અનુભવ તો કરે નહિ અને પર્યાયમાં પણ પોતાને
શુદ્ધ માનીને સ્વછંદે વર્તે તો એને તો સંસારમાં જ રખડવાનું છે. પર્યાયમાં અશુદ્ધતા છે
તે પોતાનો અપરાધ છે એમ જાણીને, શુદ્ધસ્વરૂપમાં અનુભવ વડે તેનો નાશ કરશે ત્યારે
જ પર્યાયમાં મોક્ષદશા પ્રગટ થશે. પર્યાયમાં શુદ્ધતાનો અનુભવ થયા વગર હું શુદ્ધ છું’
એમ જાણ્યું કોણે? શુદ્ધપણે અનુભવ કરે ત્યારે શુદ્ધાત્માને ખરેખર જાણ્યો કહેવાય; ને
ત્યારે જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે.
સર્વજ્ઞસ્વરૂપ જે આત્મા, તેના અંર્તઅનુભવથી અતીન્દ્રિય આનંદના અમૃત
વરસે છે. રાગ–દ્વેષના અનુભવમાં તો ઝેર છે, ને ચૈતન્યના અનુભવમાં અમૃત વરસે છે.
અહો, પંચમકાળમાં પણ સંતોએ આવા અમૃત વરસાવ્યા છે. જ્ઞાનસ્વરૂપ છે તે
આનંદમય છે, ને પુણ્ય–પાપ તો આકુળતારૂપ છે.
આત્માનો સહજ જ્ઞાનસ્વભાવ છે, તે પરિપૂર્ણ છે, તેને ન જાણવાથી જીવ
અજ્ઞાની છે. પરને ન જાણ્યું માટે અજ્ઞાની એમ ન કહ્યું, પણ સર્વને જાણવાના
સામર્થ્યવાળો જે પોતાનો સર્વજ્ઞસ્વભાવ, તેને નથી જાણતો તેથી અજ્ઞાની છે.
સર્વજ્ઞસ્વભાવને જાણનારા–અનુભવનારા સંતો, પુણ્ય–પાપરૂપ અપરાધરહિત એવા
મોક્ષમાર્ગને સાધે છે.