(પ) જેણે મોક્ષ કરવો હોય–તેણે સમસ્ત કર્મબંધ છોડવા યોગ્ય છે, એટલે
કર્મબંધના હેતુરૂપ શુભ કે અશુભ ભાવો છોડવા યોગ્ય છે. પણ અશુભ છોડવાયોગ્ય ને
શુભ રાખવાયોગ્ય–એવા ભેદને તેમાં અવકાશ નથી.
(૬) જરાક પણ બંધભાવને રાખવા જેવો જે માને તે જીવને ખરેખર મોક્ષનો
અર્થી કેમ કહેવાય? મોક્ષનો અર્થી હોય તે બંધને કેમ ઈચ્છે?
(૭) ભાઈ, એકવાર તું તારા જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને જો તો ખરો, કે
તેમાં શું રાગની ઉત્પત્તિ થાય છે? જ્ઞાનના આશ્રયે કદી રાગની ઉત્પત્તિ થતી નથી; અને
રાગની સન્મુખતાથી કદી સમ્યગ્દર્શનાદિની ઉત્પત્તિ થતી નથી. –આ રીતે જ્ઞાનને અને
રાગને ભિન્ન સ્વભાવપણું છે.
(૮) જ્ઞાનને અને રાગને અત્યંત ભિન્નતા છે; થાંભલાને જાણનારું જ્ઞાન જેમ
થાંભલાથી જુદું છે, તેમ રાગને જાણનારું જ્ઞાન રાગથી પણ જુદું જ છે. –આવા ભિન્ન
જ્ઞાનસ્વભાવને ભેદજ્ઞાનવડે અજ્ઞાની જીવ જાણતો નથી. જો જાણે તો રાગ વગરનો
આનંદ થાય.
(૯) એક તરફ આખોય સર્વજ્ઞસ્વભાવ;
એક તરફ અશુભ ને શુભ બંધભાવો;
–આમ બે પડખાં છે. તેમાંથી સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ પ્રતીતિ
કરનાર સમ્યગ્દ્રષ્ટિ જીવ બંધભાવોની રુચિમાં રોકાતો નથી; પણ સર્વજ્ઞસ્વભાવને
અનુભવતો થકો મોક્ષને સાધે છે.
(૧૦) ભાઈ, તારો આત્મા સર્વજ્ઞસ્વભાવી છે–એ વાત તને બેસે છે?
જો સર્વજ્ઞસ્વભાવ બેઠો તો રાગની રુચિને જરાપણ અવકાશ રહેતો નથી; કેમકે
સર્વજ્ઞસ્વભાવમાં રાગનો અંશ પણ નથી. અને રાગની રુચિવાળો જીવ રાગના
તણખલાં આડે મોટા ચૈતન્યપહાડને દેખતો નથી.
(૧૧) અહા, સર્વજ્ઞસ્વભાવની સન્મુખતાથી જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં પોતાના
આત્માનું કેવળજ્ઞાન પ્રતીતમાં આવી ગયું. તેની રુચિની દિશા રાગથી પાછી ફરીને
કેવળજ્ઞાન તરફ વળી, તે કંકુંવરણે પગલે કેવળજ્ઞાન લેવા ચાલ્યો.
(૧૨) આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, જો તને મોક્ષનો ઉત્સાહ હોય, મોક્ષને
સાધવાની લગની હોય તો તું સમસ્ત બંધભાવોની રુચિ છોડ, ને જ્ઞાનની રુચિ કર;
કેમકે મોક્ષના માર્ગમાં સમસ્ત બંધભાવોને નિષેધવામાં આવ્યા છે, ને જ્ઞાનસ્વભાવનું જ
અવલંબન કરાવવામાં આવ્યું છે.