ક્ષમાપના
દસલક્ષણધર્મની આરાધનાનું વીતરાગીપર્વ હમણાં જ આપણે ઉજવ્યું; ક્રોધાદિ
કલુષતા દૂર કરીને ઉત્તમ ક્ષમાના અમૃત વડે અંતરને પાવન કરવાનો આપણે પ્રયત્ન
કર્યો. એ ઉત્તમક્ષમાના મૂળરૂપ આત્મઅનુભવ, તેનો ઉપદેશ શ્રી દેવ–ગુરુના પ્રતાપે
આપણને અહર્નિશ મળી રહ્યો છે; અનેક સાધર્મીઓ આનંદથી–બહુમાનથી તે ઝીલી રહ્યા
છીએ; અને ‘આત્મધર્મ’ દ્વારા તે વીતરાગી અમૃતની ધારા હજારો મુમુક્ષુઓને
પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ.
આવા આત્મધર્મની સેવા એટલે જિનવાણી માતાની સેવા; તેમાં
જિનવાણી અનુસાર ઊંચામાં ઊંચા લેખોની પસંદગી કરીને મુમુક્ષુઓને પીરસવામાં
આવે છે. દેવ–ગુરુ–પ્રત્યેની ભક્તિથી અને સાધર્મીઓ પ્રત્યેના વાત્સલ્યથી ઊભરતા
હૃદયે તેનું દરેક પાનું લખવામાં આવે છે. આમ છતાં અજ્ઞાનવશ મારાથી તેમાં ક્યાંય
ભૂલ રહી ગઈ હોય, કે કોઈપણ પ્રકારે કોઈનું હૃદય મારાથી દુભાયું હોય, તો તે બદલ
અંતઃકરણપૂર્વક હું ક્ષમા ચાહું છું. અને પ્રાર્થના કરું છું કે વીતરાગી સંતોના ચરણમાં મને
ઉત્તમ ક્ષમાની આરાધના પ્રાપ્ત થાઓ. –હરિ.
શ્રી સમયસાર અને નિયમસાર માટે સૂચના
કેટલાક વખતથી અપ્રાપ્ય એવા સમયસાર અને નિયમસારની ગુજરાતી આવૃત્તિ
ફરી છપાવવાની વિચારણા ચાલે છે. જિજ્ઞાસુઓની માંગણી પૂરતા પ્રમાણમાં થશે તો
આ પુસ્તકો છપાવવામાં આવશે. તો જે જિજ્ઞાસુઓને કે મુમુક્ષુમંડળોને જેટલી પ્રતની
જરૂર હોય તેટલી પ્રત અત્યારથી નોંધાવી દેવા વિનંતિ છે, જેથી તેમની જરૂરીયાત
મુજબ પ્રતો તેમને મળી શકે. માટે આપને જેટલા પુસ્તકની જરૂર હોય તેટલા વેલાસર
નામ–સરનામા સહિત નીચેના સરનામે જણાવશો.
(પુસ્તકની કિંમત લાગત કરતાં ઓછી રાખવામાં આવશે, પરંતુ હમણાં કોઈ
રકમ એડવાન્સ મોકલવાની જરૂર નથી.)
પ્રકાશન વિભાગ
શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌારાષ્ટ્ર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૭૦૦