હે જીવો! તમે પણ મોહ છોડીને રજા આપો.
તમે નિશ્ચયથી જાણો. પરજ્ઞેયોથી ભિન્ન મારા જ્ઞાનતત્ત્વને મેં જાણ્યું છે, અને હવે
વૈરાગ્યથી હું મારા આત્માને સાધવા માંગું છું, માટે તમે મને વિદાય આપો. જેને
જ્ઞાનજ્યોતિ પ્રગટી છે એવો મારો આત્મા આજે પોતાના આત્મા પાસે જાય છે;
આત્મા જ પોતાનો અનાદિ જનક છે અર્થાત્ પોતાની નિર્મળ પર્યાયરૂપી પ્રજાનો
ઉત્પાદક પોતે છે. અમે અમારા આત્માને સ્વાનુભૂતિથી જાણ્યો છે, ને હવે અંતરમાં
અનુભવેલા તે માર્ગે જઈએ છીએ, હવે મુનિ થઈને આત્માના કેવળજ્ઞાનનિધાનને
ખોલશું. હવે ફરીને બીજા માતા–પિતા આ સંસારમાં નહીં કરીએ. અમારો આત્મા
આ સંસારના કલેશથી થાક્યો છે. આ સંસારથી હવે બસ થાવ. હવે અમે ચૈતન્યના
પૂરા આનંદને જ અનુભવશું. –આમ વિનયથી રજા લઈને મોક્ષમાર્ગને સાધવા ગુરુ
પાસે જાય છે ને મુનિપણું અંગીકાર કરે છે.
વનક્રીડા કરવા ગયેલા ને ત્યાં જયકુમાર–સેનાપતિની દીક્ષા સમાચાર સાંભળતાં જ
વૈરાગ્ય પામીને વનમાંથી બારોબાર આદિનાથ પ્રભુના સમવસરણમાં જઈને દીક્ષા
લઈ લીધી. માતા–પિતાને પૂછવા પણ ન રોકાયા. વાહ! નાની ઉંમરના રાજકુમારો
મુનિ થઈને હાથમાં નાનકડું કમંડળ ને નાનકડી મોરપીંછી લઈને ચૈતન્યની ધૂનમાં
મસ્ત ચાલ્યા આવતા હોય,–એ તો જાણે કે નાનકડા સિદ્ધભગવાન!! અહા,
મુનિદશાના મહિમાની શી વાત! આવા મુનિનાં દર્શન પણ મહા ભાગ્યે જ મળે છે.
અત્યારે અહીં તો મુનિનાં દર્શન પણ ક્યાં છે? જ્યાં સાચો તત્ત્વનિર્ણય પણ ન હોય
ત્યાં મુનિદશા ક્યાંથી હોય? તત્ત્વને જાણ્યા વગર એમ ને એમ માની લ્યે કે અમે
મુનિ છીએ, –એ તો મોટી ભ્રમણા છે; એને મુનિદશાની ખબર પણ નથી. મુનિદશા
એ તો પરમેષ્ઠી પદ! ઈન્દ્રો અને ચક્રવર્તીઓ પણ ભક્તિથી જેનો આદર કરે છે ને
કેવળજ્ઞાન લેવાની જેની તૈયારી છે એ મુનિદશાની શી વાત!