: ૧૬ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
સમ્યક્ત્વના આચરણરૂપ ચારિત્ર–તે પ્રથમ ચારિત્ર છે.
(અષ્ટપ્રવચન બીજા ભાગમાંથી એક ઉપયોગી પ્રકરણ)
ચારિત્રપ્રાભૃતમાં શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે રત્નત્રયની શુદ્ધતાને માટે બે
પ્રકારનું ચારિત્ર છે. તે બે પ્રકાર કયા?–
जिणणाणदिठ्ठिसुद्धं पढमं सम्मत्तचरणचारित्तं।
विदियं संजमचरणं जिणणाणसंदेसियं तं पि।।५।।
પ્રથમ તો સમ્યક્ત્વના આચરણરૂપ ચારિત્ર છે–તે જિનદેવના જ્ઞાનદર્શનશ્રદ્ધાન
વડે શુદ્ધ છે. બીજું સંયમના આચરણરૂપ ચારિત્ર છે–તે પણ જિનદેવના જ્ઞાનવડે દર્શાવેલું
શુદ્ધ છે. સર્વજ્ઞભગવાને જેવું તત્ત્વનું સ્વરૂપ કહ્યું છે તેના જ્ઞાન–શ્રદ્ધાનપૂર્વક નિઃશંકતાદિ
ગુણસહિત જે શુદ્ધ સમ્યગ્દર્શન પ્રગટે તેનું નામ સમ્યક્ત્વનું આચરણ છે. એવા
સમ્યક્ત્વપૂર્વક સંયમની આરાધના તે ચારિત્રનું આચરણ છે. આવા બંને આચરણ તે
રત્નત્રયની શુદ્ધીનું કારણ છે. આમ જાણીને શું કરવું?–
एवं चिय णाऊण य सव्वे मिच्छत्तदोष संकाइ।
परिहरि सम्मत्तमला जिणभणिया तिविहजोएण।।६।।
ભગવાને કહેલા પૂર્વોક્ત બે પ્રકારનાં ચારિત્રને જાણીને મિથ્યાત્વ અને શંકાદિ
દોષો તેમજ સમ્યક્ત્વને મલિન કરનારા અતિચાર–દોષો તેને ત્રિવિધયોગે છોડીને,
સમ્યક્ત્વનું આચરણ કરવું. તે દોષો દૂર થતાં નિઃશંકતા વગેરે આઠ ગુણ સહિત
સમ્યક્ત્વ–આચરણ પ્રગટ થાય છે. મોક્ષમાર્ગનું આ પહેલું આચરણ છે.
तं चैत्र गुणविसुद्धं जिनसम्यक्त्वं सुमोक्षस्थानाय।
तत् चरति ज्ञानयुक्तं प्रथमं सम्यक्त्वचरणचारित्रम्।।८।।
નિઃશંકતાદિ ગુણોથી વિશુદ્ધ એવું જે જિન સમ્યક્ત્વ, તેનું યર્થાથ જ્ઞાનસહિત
આચરણ કરવું તે સમ્યક્ત્વ–આચરણ છે; ઉત્તમ મોક્ષસ્થાનની પ્રાપ્તિ માટે પ્રથમ આ
સમ્યક્ત્વ–આચરણ ચારિત્ર છે. –આ રીતે મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનની પ્રધાનતા છે.