પણ તે પોતાની શક્તિને ભૂલીને, ભ્રમણાને લીધે સંસારની જેલમાં–જંજીરમાં
ફસાયો છે... તેમાંથી તે કેમ છૂટે?–કે “હું કોણ છું ને મારું વાસ્તવિક સ્વરૂપ શું
છે”–તે જો બરાબર ઓળખે તો ભ્રમણા છૂટે ને નિર્દોષ સુખ તથા નિર્દોષ આનંદ
પ્રગટે.
એની મને દયા આવે છે! દિવ્ય શક્તિવાળા ચૈતન્યના નિર્દોષ સુખને ભૂલીને
પરવસ્તુમાં સુખ માનતાં તે મિથ્યા માન્યતામાં આત્મા મુંઝાય છે; પરમાં સુખ કલ્પે
છે પણ તેને સુખ મળતું તો નથી–તેથી તે પરાશ્રિતભાવમાં મુંઝાય છે, ને તે દેખીને
જ્ઞાનીઓને દયા આવે છે, કે અરે! ચૈતન્યભગવાન આત્મા પોતે પોતાને ભૂલીને
પરમાં મુર્છાઈ ગયો!–એ મુંઝારો એટલે કે પરમાં સુખબુદ્ધિરૂપ મુર્છા ત્યાગવા માટે
આ સિદ્ધાંત છે કે જેની પાછળ દુઃખ હોય તે ભાવમાં સુખ નથી...સમ્યગ્દર્શનાદિ
ધર્મના ભાવોમાં વર્તમાન પણ સુખ ને તેના ફળમાં પણ સુખ; રાગાદિ વિકારી
ભાવોમાં વર્તમાન પણ દુઃખ ને પછી તેના ફળમાં પણ સંસારના જન્મ–મરણરૂપ
દુઃખ,–માટે તેમાં સુખ નથી. આમ સમજી તે રાગાદિ વિભાવોથી ભિન્ન પોતાનું
ચિદાનંદ સ્વરૂપ લક્ષમાં લઈ, વિવેકપૂર્વક શાંતભાવે તેનું ચિંતન કરવું. એમ
કરવાથી મુંઝવણ મટીને નિર્દોષ આત્મસુખ પ્રગટે છે.