: ૪૦ : : પોષ : ૨૪૯૬
સંકટમાં પણ ચંદના તો ધૈર્યપૂર્વક ધર્મધ્યાનમાં પોતાનું ચિત્ત જોડતી...અને વિચારતી કે
મારા પૂર્વના કોઈ પાપકર્મનું આ ફળ છે. ધન્ય છે ત્રિશલાબહેનના પુત્ર મહાવીરને, કે જેઓ
આ સંસારનો મોહ છોડી મુનિ થઈ આત્મસ્વરૂપને સાધવામાં તત્પર છે. અલ્પકાળમાં તેઓ
તીર્થંકર થશે. અહો, ક્યારે હું એમના દર્શન પામું! ને ક્યારે આ સંસાર છોડીને આર્યિકા
બનું!! આવી ભાવનાપૂર્વક બેડીના બંધનમાં જકડાયેલી ચંદના દિવસો વીતાવે છે. જુઓ,
સંસારની વિચિત્રતા!–આ ચંદનાની જ બહેન મૃગાવતી, તે તો આ કૌશામ્બીનગરીની
મહારાણી છે ને રાજમહેલમાં બિરાજે છે, ત્યારે એની જ નાની બહેન ચંદના એ જ ગામમાં
બેડી વચ્ચે બંધાયેલી છે.–મૃગાવતીને તો એની ખબરેય નથી.
હવે મુનિદશામાં વિચરતા–વિચરતા ભગવાન મહાવીર એક દિવસ આ
કૌશામ્બીનગરીમાં પધાર્યા...નગરજનો એમના દર્શનથી ધન્ય બન્યા. બેડીમાં બંધાયેલી
ચંદનબાળા પણ ભગવાનના દર્શનની અને તેમને પારણું કરાવવાની ઉત્તમ ભાવનાઓ
ભાવવા લાગી...બરાબર એ જ વખતે મુનિરાજ મહાવીર આહાર માટે તે તરફ પધાર્યા.
અહા! પ્રભુને દેખતાં જ ચંદનાનું અંતર કોઈ અચિંત્ય ભક્તિથી ઉલ્લસી ગયું...
ભગવાનને નિમંત્રણ કરવા માટે જ્યાં પગ ઉપાડવા જાય છે ત્યાં તો એની બેડીના
બંધનો તૂટી ગયા...બેડીને બદલે સુવર્ણના આભૂષણો બની ગયા...સુભદ્રાએ આપેલ
હલકું ભોજન ઉત્તમ આહારરૂપ બની ગયું. અત્યંત પ્રસન્નતા અને નવધા ભક્તિથી
ચંદનાએ મહાવીર મુનિરાજને આહારદાન કર્યું. એના આનંદનો પાર ન રહ્યો. દેવોએ
પણ આનંદથી વાજાં વગાડીને રત્નવૃષ્ટી કરી. આખી નગરીમાં આનંદ–આનંદ છવાઈ
ગયો. ચંદના સતીનો પ્રભાવ સર્વત્ર ફેલાઈ ગયો. આ સમાચાર જાણીને ચંદનાની મોટી
બહેન રાણી મૃગાવતી પણ ત્યાં આવી ને પોતાની નાની બહેનને જોતાં તેના આશ્ચર્યનો
પાર ન રહ્યો. અરે આ તો કૌશામ્બીના મહારાણીની બહેન છે–એમ જાણતાં જ
વૃષભસેન શેઠે અને ભદ્રા શેઠાણીએ તેની માફી માંગી. પછી સૌ સાથે મળીને ભગવાન
મહાવીરની વંદના કરવા ચાલ્યા; નગરીના હજારો લોકો પણ સાથે ચાલ્યા.
આ બાજુ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થઈ ગયું હતું, સમવસરણમાં ભગવાન
મહાવીરના ઉપદેશથી ચંદનાસતીને સંસારપ્રત્યે તીવ્ર વૈરાગ્ય જાગ્યો. સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનથી શોભતી તે ચંદના સતી ભગવાન પાસે દીક્ષિત થઈને અર્જિકા થઈ, ને
તપશ્ચરણ કરવા લાગી. જ્ઞાનધ્યાનના પ્રભાવથી ૩૬૦૦૦ અર્જિકાઓમાં તેણે ગણિનીપદ
પ્રાપ્ત કર્યું, ને સ્ત્રીપર્યાયનો છેદ કરીને એકાવતારીપણે ઉત્તમ સ્વર્ગમાં ગયા.
જ્ઞાન અને શીલથી શોભતું એ ચંદનાનું જીવન ભારતની સર્વ મહિલાઓને માટે
પવિત્ર આદર્શરૂપ છે. એવી આદર્શ ધર્માત્માસતીઓ તે ભારતનું મહાન ભૂષણ છે.