: પોષ : ૨૪૯૬ : ૪૧ :
જાગો રે જૈનો જાગો...તમે વીરમાર્ગે લાગો
૧૯૭૦ ના માર્ચ માસમાં થનાર વસતીપત્રકમાં “જૈન” લખાવો
આપણે જૈન...એટલે જિનવરના સન્તાન...જિનદેવના અનુયાયી
ભારતભરમાં સર્વત્ર જૈનો વસે છે...તેની એકંદર સંખ્યા એક કરોડ જેટલી
અંદાજાય છે.
જૈનધર્મે ભારતદેશને ઊંચામાં ઊંચા અધ્યાત્મ–સંસ્કારો અને વીતરાગી અહિંસા
આપ્યાં છે...જ્યોર્જ બર્નાડ શો જેવા પરદેશી પણ જૈનધર્મથી પ્રભાવિત થયેલ છે.
રાષ્ટ્રનેતા ગાંધીજીએ જેમની પાસેથી આર્યસંસ્કારોની પ્રેરણા મેળવી તે શ્રીમદ્ રાજચંદ્રજી
ફાળો આપનાર વીર ભામાશાહ પણ જૈનધર્મી હતા.
મહાગુજરાતની ત્રણેક કરોડની વસ્તીમાં સાત–આઠ લાખ જૈનો હશે. એકલા
અમદાવાદમાં જ લાખ ઉપરાંત જૈનો વસે છે, ભાવનગર, જામનગર, રાજકોટ વગેરે
શહેરોમાં પણ વિપુલ સંખ્યામાં જૈનો વસે છે. રાજસ્થાનમાં જયપુર, અજમેર, ઉદેપુર
વગેરે શહેરો પણ જૈનોની વસ્તીથી ભરપૂર છે. મધ્યપ્રદેશમાં પણ ઈંદોર, ઉજ્જૈન,
ભોપાલ વગેરે ઘણા શહેરો જૈનવસ્તીથી ભરપૂર છે. એકલા મુંબઈમાં લાખથી વધુ જૈનો
વસે છે ને મહારાષ્ટ્ર પ્રદેશમાં ખૂબ જૈનો વસે છે. કલકત્તામાં દર કાર્તિકી પુનમે
રથયાત્રામાં લાખો જૈનોનો મેળો ભરાય છે. દિલ્હીમાં પણ જૈનોની ઘણી મોટી વસ્તી છે.
અને, આખોય દક્ષિણ પ્રદેશ કેટલાય લાખ જૈનોથી અને પ્રાચીન જૈનવૈભવથી ભરેલો છે.
દક્ષિણપ્રદેશના વિપુલ જૈનવૈભવથી આપણે અત્યાર સુધી એટલા અજાણ હતા કે
કુંદકુંદસ્વામીના પોન્નુર જેવા પ્રદેશમાં–જ્યાં દર વર્ષે લાખો જૈનોનો મેળો ભરાય છે ને
જેની આસપાસ ગાઉના ગાઉ સુધી જૈનોની વસ્તી ભરેલી છે, એવા પોન્નુરનું નામ પણ
આપણે પંદર વીસ વર્ષ પહેલાં જાણતા ન હતા. પૂ. કાનજી સ્વામીએ દક્ષિણદેશના
તીર્થોની યાત્રા કરી ત્યારે ત્યાં ઠેર ઠેર આપણા લાખો જૈનબંધુઓ આપણે નજરે દેખ્યા,
અને દક્ષિણના ધર્મવૈભવનો થોડોક ખ્યાલ આવ્યો.
–આ રીતે એક કરોડ જેટલા જૈનોથી ભારતદેશ શોભી રહ્યો છે. અને છતાં,
ભારતમાં મહાવીર જયંતિ જેવા સુપ્રસિદ્ધ દિવસને પણ જાહેર તહેવારની રજા તરીકે
કેન્દ્રસરકાર સ્વીકારતી નથી, એ આશ્ચર્ય છે. (જો કે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર
વગેરે કેટલાક રાજ્યોમાં મહાવીરજયંતિની જાહેર રજાઓ પડે છે.)